શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો;
વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇશ્રી ડી.એમ. પંચાલે વર્તમાન સમયમાં થઇ રહેલા ડીજીટલ ફ્રોડ અંગે વિસ્તૃત જાણકારી આપી;
નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપીપલા સ્થિત સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી.
આ સેમીનારમાં વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇશ્રી ડી.એમ. પંચાલે ઉપસ્થિત રહી સાયબર ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજ પુરી પાડી હતી. વર્તમાન સમયમાં ખાસ કરીને ડીજીટલ પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરનાર યુવા વર્ગ સાયબર ક્રાઇમનો ઝડપથી ભોગ બનતા હોય છે. ડીજીટલ યુગમાં સાયબર ક્રાઇમ પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે શ્રી પંચાલે ડીજીટલ યુગના ફાયદા અને ગેરફાયદા, સ્પાયવેર ઇન્સ્ટોલેશન કેવી રીતે રોકી શકાય, સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો વગેરેની ઉદાહરણ સહિત સચોટ માહિતી પુરી પાડી હતી.
વધુમાં, પીએસઆઇશ્રી ડી.એમ. પંચાલે સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં તમામ નાગરિકોને તેમાં કેવા પ્રકારની કાળજી રાખવી અને પોતાના અંગત ડેટા અજાણી વ્યક્તિ સુધી જતા કેવી રીતે રોકી શકાય, આજકાલ વધી રહેલા બેન્ક ફ્રોડમાંથી કેવી રીતે બચી શકાય, જાણતા અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે ટાળી શકાય તેમજ જો કોઇ સાથે ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન-૧૯૩૦ નો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની પણ વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
રાજપીપલા ખાતે યોજાયેલા ઉક્ત સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનારમાં રાજપીપલા શહેર પોલીસ મથકના પીએસઆઇશ્રી ડી.કે.પરમાર, એલસીબી પીઆઇશ્રી જે.બી.ખાંભલા, શી ટીમના પીઆઇ (પ્રોબેશનર) સુશ્રી દેવ્યાંની બારડ, રાજેન્દ્ર હાઇસ્કૂલના શિક્ષકશ્રી ભુપતસિંહ વસાવા, શાળાના શિક્ષિકા સુશ્રી દક્ષાબેન, અન્ય પોલીસ જવાનો, રાજેન્દ્ર હાઇસ્કૂલ રાજપીપલાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા