શ્રોત :ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન અંગે બેઠક યોજાઇ:
સામુહિક વિકાસની યોજનાઓને પ્રાધાન્ય આપી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચે તે જરૂરી:- પ્રભારી સચિવશ્રી
વિવિધ યોજનાકીય લાભો ઝડપથી જરૂરિયાતમંદ લોકોને ગુણવાત્તાયુક્ત અને સમય મર્યાદામાં પુરા પાડવા કલેકટરનું સુચન:
વ્યારા-તાપી: નાણાં વિભાગના સચિવ અને તાપીના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે કલેકટર કચેરીના સભાખંડમાં ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન ફોર ગુડ ગવર્નન્સ અંગેની બેઠક યોજાઇ હતી.
સચિવશ્રીએ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને તમામ યોજનાકિય લાભો સરળતાથી મળે અને સ્થનિક સમસ્યાઓનું કાયમી નિવારણ થાય તે દિશામાં સઘન આયોજન કરવા જણાવ્યું હતું. ખાસ કરીને રૂપિયા ૫ કરોડથી ઉપરના વિવિધ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે તથા પાણી પુરવઠાને લગતા વિવિધ વિકાસ કામો સમય મર્યાદામાં પુરા થાય, સિંચાઇમાં લીફ્ટ ઇરીગેશનને પ્રાધાન્ય આપી લોકોને કાયમી સિંચાઇની સુવિધા પુરી પાડવા પર ભાર મુક્યો હતો. તેમણે ખાસ કરીને સામુહિક વિકાસની યોજનાઓ પર વધુ ધ્યાન આપી છેવાડાના લોકો સુધી યોજનાકિય લાભો પહોંચાડવા પણ સુચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં કલેકટર એચ.કે.વઢવાણિયા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાવામાં આવેલ કામગીરી અને એક્શન પ્લાનની વિગતવાર જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ વિકાસ યોજનાઓમાં મુખ્યત્વે શિક્ષણ,આરોગ્ય, પાણી પુરવઠો, સિંચાઇ હેઠળ હાથ ધરવામાં આવેલ કામગીરી તથા એક્શન પ્લાનની વિગતો આપવા ઉપરાંત ૧૫માં નાણાપંચના કામો અને મનરેગા યોજનાનાં સઘન અમલીકરણ થકી માઇક્રોપ્લાનીંગ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું. પોલીસ વડા સુજાતા મજમુદાર દ્વારા પોલીસ વિભાગની કામગીરી અંગે સચિવશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ કલેકટરશ્રીએ સચિવશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનોને ગંભીરતાથી લઇ તે મુજબ પોતાના વિભાગને યોજનાઓનો લાભ ઝડપથી જરૂરિયાતમંદ લોકોને ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પુરા પાડવા અમલીકરણ અધિકારીઓને સુચનો કર્યા હતા. તેમણે સિંચાઇ, પાણી પુરવઠા હેઠળ પુર્ણ થયેલ યોજનાઓમાં કૃષિ, પશુપાલન ક્ષેત્રે થનાર લાભોની વિગતોને પણ એક્શન પ્લાનમાં સમાવી લેવા જણાવ્યું હતું.
બેઠકમાં ડીસીએફ આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી, ડીઆરડીએ નિયામક જે.જે.નિનામા, વ્યારા પ્રાંત હિતેશ જોષી, નિઝર મેહુલ દેસાઈ, ના.જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, મુખ્ય જિ. આરોગ્ય અધિકારી ર્ડો. હર્ષદ પટેલ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.