શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લામાં રૂ.૩૯૫૦.૯૧ લાખના ખર્ચે ૮૮ ગામોના ૧૬૫૪૪ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી:
રાજપીપલા :- નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં નર્મદા જિલ્લાના ૮૮ ગામોના કુલ ૧૬૫૪૪ ઘરોને આવરી લેતી રૂ.૩૯૫૦.૯૧ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે,
જિલ્લામાં મંજુર થયેલી ઉક્ત પીવાના પાણીની યોજનાઓમાં સાગબારા તાલુકાના નેવડીઆંબા, ચીંબીપાણી, દાબકા, સોરતા, કુઈદા, નવાગામ(સેલંબા), નરવાડી, પાટ્લામહુ, સોરાપાડા, પાંચપીપરી, દેવસાકી, ખોપી, જાવલી, નાલ, કોલવાણ, પાડી, દોધનવાડી, પલાસવાડા, રાણીપુર, ઉમાન ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા, વાગડીયા, મોટા આંબા, ઓરપા, સાકવા, નાના પીપરીયા, સેગપરા, પીછીપુરા, ઉંડવા, આમદલા, માંકડાઆંબા, મોટા પીપરીયા, ઉમરવા(જોશી), વાડી, વાંસલા, ગડોદ, હરીપુરા, ઈંન્દ્રવર્ણા, બોરીયા, ગડકોઈ, લીમખેતર, ખડગદા, નઘાતપોર-કોઠી, ટીમરવા, ગુલવાણી, વવિયાલા, બિલથાણા, વઘરાલી, મોટી રાવલ, લીમડી, નવાગામ(લીમડી), અક્તેશ્વર, ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર, કાકરપાડા, ગારદા, બેડદા, કોલીવાડા(પણગામ) કેવડી, બાબદા, વાઢવા, જામની, કુકરદા, દાભવણ, ખૈડીપાડા, તાબ્દા, બેસણા, ગઢ, ઝાંક, સામરપાડા(થવા), ખટામ, રાંભવા, કોલીવાડા(બોગજ), વડપાડા, કુટીલપાડા, મંડાણા તિલકવાડા તાલુકાના કારેલી, લીમ્બડીયા, દેવલીયા, વિરપુર તથા નાંદોદ તાલુકાના રેલ, આણોદ્રા, કોઠારા, ભુછાડ, વાઘોડીયા, વીરપોર, લોઢણ, આમલેથા અને કુંવરપરા ગામોનો મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના સભ્ય સચિવશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી(વાસ્મો) શ્રી વિનોદ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા, પ્રાયોજના વહીવટદારશ્રી ટ્રાયબલ સબ પ્લાન, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી આર.એ.પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી સચિન શાહ, ડીજીવીસીએલના ઈજનેરશ્રી પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, જીલ્લા કો-ઓર્ડીનેટરશ્રી રાકેશ ચૌધરી(વાસ્મો), સિંચાઈના કાર્યપાલક ઈજનેરશ્રી તથા વાસ્મોના અન્ય પ્રતિનિધિશ્રીઓ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસે કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી તથા ૧૦૦% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવાની શ્રી વ્યાસે હિમાયત કરી હતી.
આ બેઠકમાં પીવાના પાણી માટે ગુજરાતમાં છેલ્લા બે માસથી અમલી વોટર પ્રોટેક્શન એક્ટનો નર્મદા જિલ્લામાં પણ સુચારૂ રીતે અમલ થાય તે જોવાની જરૂરીયાત પર શ્રી વ્યાસે ભાર મુક્યો હતો. જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓમાં નળથી પીવાનું પાણી પુરૂં પાડવાની થઇ રહેલી કામગીરી વેળાસર પૂર્ણ થાય તે માટેનું માઇક્રોપ્લાનીંગ કરીને તબક્કાવાર નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે જોવાનું પણ શ્રી વ્યાસે સુચન કર્યું હતું.