શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખવાની સાથે બોરીદ્રા ગામના ધો-૧ થી ૮ શાળાના બાળકોએ ઉજવ્યો શિક્ષકદિન:
રાજપીપલા, સોમવાર :- ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન ૫ મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે સમગ્ર ભારત દેશમાં દર વર્ષ ઉજવીએ છીએ અને હાલમાં કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારના બોરીદ્વા ગામનાં મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ આજે બોરીદ્વા ગામના ધો.૧ થી ૮ ના બાળકો દ્વારા ગુરૂ પૂજન અને ફળીયા ટૂકડી શિક્ષણ થકી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થી પોતે જ શિક્ષક બનીને પોતાના વર્ગના બાળકોને વાંચન, લેખનની સાથે પ્રશ્નો પૂછ્યા હતા અને બાળકોએ તેના જવાબો પણ આપ્યા હતાં તેની સાથોસાથ શિક્ષક બનેલા વિદ્યાર્થીએ કોરોના મહામારીને અનુલક્ષીને બાળકોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ બાળકોને સમજાવ્યું હતું.
બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે શાળાઓ બંધ છે, ત્યારે સરકારશ્રીના નિયમોનું પાલન કરીને તા.૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિનના ઉજવણીના ભાગરૂપે આજે બોરીદ્રા ગામના શાળાના બાળકોએ સ્વૈચ્છિક રીતે જુદા જુદા ફળીયામાં નાની ટૂકડી થકી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. જેમાં બાળક પોતે જ શિક્ષક બનીને બાળકો પાસે શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. આ બાબતનો આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથે શ્રી મકવાણાએ તેમના બાળકોને અભિનંદન પણ પાઠવ્યા હતાં.
બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના ધો-૫ ના વિદ્યાર્થી શ્રી હેમાશુંભાઇ વિઠ્ઠલભાઇ વસાવાએ કહ્યું હતું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે અમારી શાળાઓ બંધ છે છતાં અમને ઘેર બેઠા શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. આજે અમે શિક્ષક દિનની ઉજવણી કરી, જેમાં અમારા સહમિત્ર જ અમને શિક્ષક બનીને ભણાવે તેથી અમે આંનદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ તકે અમારા ગુરૂજીનો આભાર માનું છું.
પ્રસંગે નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગૃપના સી.આર.સી શ્રી વાસુદેવભાઇ રાઠવા, બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા અને શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.