શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વેગવંતી બની રહી છે CSR એક્ટિવિટી;
નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત CSR એક્ટિવિટીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોના હિતમાં તથા કુપોષણને દૂર કરવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL)- વડોદરા દ્વારા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની ૧૮૪, ગરુડેશ્વર તાલુકાની ૧૪૨, તિલકવાડા તાલુકાની ૧૧૭, ડેડીયાપાડા તાલુકાની ૩૦૨ અને સાગબારા તાલુકાની ૨૦૭ મળી કુલ ૯૫૨ આંગણવાડીઓમાં બાળકોના વજન અને ઊંચાઈ માપવા માટે રૂ. ૨૩.૮૦ લાખનાં ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટર CSR એક્ટિવિટી હેઠળ મંજુર કરી પુરા પાડવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લાની આંગણવાડીઓમાં આવતા બાળકોનું વજન અને ઊંચાઈ દર મહિને સચોટ રીતે માપી શકાય તેમજ તેઓના શારીરિક વિકાસની નોંધ રાખી શકાય તે હેતુથી જિલ્લા આયોજન અધિકારીશ્રી અને CSRના નોડલ ઓફિસર શ્રી.એસ.એસ. પાંડેના સહયોગથી નર્મદા જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ક્રિષ્નાબહેન દ્વારા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આ દરખાસ્ત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL)- વડોદરાને મોકલી આપી હતી. જે દરખાસ્ત કંપની દ્વારા માન્ય રાખી તેઓના CSR ફંડમાંથી નર્મદા જિલ્લાને સ્ટેડીઓમીટર પુરા પાડવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની તમામ આંગણવાડીઓને સ્ટેડીઓમીટરની સુવિધા મળતા બાળકોનું વજન અને ઉંચાઇ સારી રીતે માપી શકાશે છે. આ સાધનો મળવાથી બાળકોની ખરેખર પોષણ સ્થિતીનું આંકલન કરી, ગ્રોથ મોનીટરીંગ દ્વારા બાળકોની વૃઘ્ઘિ-વિકાસ ૫ર દેખરેખ રાખી શકાશે. માત્ર એટલું જ નહીં, પણ આ મોનીટરીંગ દરમિયાન જે કુપોષિત બાળકોમાં ગ્રોથ નહીં દેખાય તેમને અલગથી ટ્રેકીંગ કરી જરૂરી વધારાના પુરક પોષણ સાથેનો ખોરાક આપી કુપોષણમાંથી બહાર લાવી શકાશે. નોંધનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ એવા નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ CSR એક્ટિવિટી હાલમાં વેગવંતી બની રહી છે.