શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ ૨૦૫ ગામ માટેની ઉકાઇ જળાશય આધારિત રૂા. ૩૦૮/- કરોડની જુથ પાણી પુરવઠા યોજનાનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી કર્યુ ઇ-લોકાર્પણ:
દેડિયાપાડા તાલુકાના ૧૧૦ ગામો અને ૧૬ ફળિયાઓ તથા સાગબારા તાલુકાના ૮૪ ગામો અને ૯ ફળિયાઓ તેમજ તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૧ ગામો અને ૧ ફળિયુ સહિત કુલ ૨૦૫ ગામો અને ૨૬ ફળિયાઓ લાભાન્વિત:
રાજપીપલા: – નર્મદા જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ ૨૦૫ ગામ માટેની ઉકાઇ જળાશય આધારિત રૂા. ૩૦૮/- કરોડની સાગબારા – દેડીયાપાડાની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાના ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરસિંહ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા, પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જીનીયરશ્રી એન.એચ.પટેલ, જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી આર.એ.પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી અને યુનિટ મેનેજરશ્રી વિનોદ પટેલ સહિત ગ્રાજનોની ઉપસ્થિતિમાં આજે દેડીયાપાડા તાલુકા મથકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્થાનિક સમારોહ યોજાયો હતો. દેડીયાપાડા ઉપરાંત જિલ્લાના પાનખલા, પીપળીપાડા, ગોડમુખ અને કનખાડી ગામોએ પણ આ ઇ-લોકાર્પણ કાર્યક્રમના કરાયેલા જીવંત પ્રસારણને ગ્રામજનોએ નિહાળ્યુ હતું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી નર્મદા જિલ્લાના સાગબારા-દેડીયાપાડાની રૂા. ૩૦૮/- કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યુ હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના સાગબારા-દેડીયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ ૨૦૫ ગામો માટેની ઉકાઇ જળાશય આધારિત રૂા. ૩૦૮/- કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાથી લાભાન્વિત ગામોને થનારા ફાયદાની જાણકારી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો-ગ્રામજનોએ સાગબારા- દેડીયાપાડા જુથ પાણી પુરવઠા આધારિત ફિલ્મ પણ નિહાળી હતી.
નર્મદા જિલ્લાના સાગબારા તથા દેડીયાપાડા તેમજ સોનગઢ તાલુકાના જમણા કાંઠાનો વિસ્તાર ઉકાઇ ડેમ તથા સરદાર સરોવર જળાશયના જળસ્રાવ વિસ્તાર ડુંગરાળ તેમજ ખડકવાળો હોઇ ઉનાળામાં પીવાના પાણીની અછત રહેતી હોવાથી ગ્રામજનોને કાયમી ધોરણે પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ઉકાઇ જળાશયમાં સોનગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઇનટેક વેલ બનાવી રો-વોટર મેળવી શુધ્ધિકરણ કરી કાયમી ધોરણે પીવાનું શુધ્ધ પાણી નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ૮૪ ગામો અને ૯ ફળિયાઓ તેમજ દેડિયાપાડા તાલુકાના ૧૧૦ ગામો અને ૧૬ ફળિયાઓ તથા તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૧ ગામો અને ૧ ફળિયુ મળી કુલ ૨૦૫ ગામો અને ૨૬ ફળિયાઓની વર્ષ ૨૦૪૬ ની ૫,૦૬,૫૨૯ વસ્તીને શુધ્ધ પાણી પુરૂ પાડવા માટેની આ જુથ પાણી પુરવઠા યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે અને ઉક્ત ગામો લાભાન્વિત થયાં છે, જેના માટે હાલમાં ૩૦.૬૩ એમ.એલ.ડી. ઉકાઈ જળાશયમાં આરક્ષિત રાખવામાં આવેલ છે.
અંતમાં જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આ પ્રસંગે નર્મદા જિલ્લા વતી શુભેચ્છા પાઠવવાની સાથે પાણી પુરવઠા વિભાગના રાજય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત સાગબારા-દેડીયાપાડાના પદાધિકારીઓ-અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો.