
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ડાંગ, દ્વારકા અને ગીર સોમનાથમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’
પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લામાં પણ પોલીસ ટીમો તૈનાત કરાશે: ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ
દિનકર બંગાળ, આહવા: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત અને પ્રવાસી-મૈત્રીપૂર્ણ બનાવવાના હેતુથી રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ, રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોએ હવે સમર્પિત ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’ કાર્યરત કરવામાં આવશે.
જેમાં પ્રથમ તબક્કે ડાંગ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં આ વિશેષ પોલીસ સ્ટેશનો શરૂ કરવા, પ્રવાસન સ્થળો પરની હયાત પોલીસ ચોકીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવા, પ્રવાસન સ્થળો પર કન્ટેનર આધારિત ‘હેલ્પ ડેસ્ક’ અને ‘કિયોસ્ક’ ઊભા કરવામાં આવશે, જ્યાંથી પ્રવાસીઓને ત્વરિત મદદ મળી શકશે અને પ્રવાસીઓને તમામ માહિતી અને સુરક્ષા એક જ સ્થળે મળી રહે તે માટે સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ વિકસાવવામાં આવશે જે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતમાં સુરક્ષિત અને ‘મિત્રસભર’ (Tourist-Friendly) વાતાવરણ પૂરું પાડવાનો છે. આ માટે દરેક સ્ટેશનમાં પૂરતા માનવબળ અને નવા વાહનો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં પણ સાપુતારા ખાતે ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ શરૂ કરવામાં આવનાર છે. જે અંગે માહિતી આપતાં ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં આવનાર પ્રવાસીઓ માટે સુરક્ષા ને ધ્યાને રાખી ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ ડેવલોપ કરવામાં આવી રહેલ છે. જેમાં ગુગલ મેપ સાથે ટાયપ કરવામાં આવનાર છે. જેથી કરીને પ્રવાસન જગ્યાઓના તમામ રસ્તાઓ એક જગ્યાએથી મળી શકે, તેમજ સુરક્ષિત રસ્તાઓ કયાં છે તે અંગેની પણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. ઇમરજન્સી નંબરો પણ ઉપલબ્ધ રહેશે, નજીકનું હવાઇ મથક, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલની માહિતી પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ રહેશે. અને પ્રવાસીઓની કોઇ વસ્તુ ગુમ થઇ જાય તો તે પણ એન્ટ્રી કરી શકાશે, જેમાં લાઇવ ટેલિકાસ્ટની સુવિધા ઉપલબ્ધ હશે તેમજ ફોરકાસ્ટની માહિતી પણ મળી શકશે.
આ ઉપરાંત આ એપ્લિકેશનમાં વિદેશની છ ભાષાઓ તેમજ ભારતની ૨૨ ભાષાઓ પણ ઉપલબ્ધ રહેશે. જેથી કરીને કોઇ પણ મુસાફરોને ભાષા અંગેની તકલીફ નહી પડે. આ સાથે જ પોલીસ કર્મીઓના વિશેષ યુનિફોર્મ સાથે વાહન રહેશે જેમાં પોલીસ કર્મીઓની ટીમ તૈનાત રહેશે. જેઓ કોઇ બનાવ અંગે ત્વરિત કાર્યવાહી કરશે અને આ બાબતે અંગે ગુનો પણ આ પોલીસ સ્ટેશનમાં નોંધી શકાશે.



