શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગમા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ફોરેસ્ટ અને પોલીસ ફોર્સના જવાનો તથા માર્ગ મકાન વિભાગના લાશ્કરોએ દાખવી જાબાઝી :
ડાંગ, આહવા: વનાચ્છાદિત ડાંગ જિલ્લામા ખાબકેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી હતી.
વિશિષ્ટ ભુપૃષ્ઠ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લામા ઠેર ઠેર ઘાટ માર્ગો, ડુંગરો, ખીણો, અને ઘનઘોર જંગલ આવેલા છે.
આ સંજોગોમા મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર નદી, નાળા, કોતરોમાંથી વરસાદી પાણી સાથે જમીનનુ મોટા પાયે ધોવાણ થવાથી, ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થવા, માટી, પથ્થરો, અને મલબો ડુંગરો ઉપરથી નીચેની તરફ ધસી પડવા જેવા બનાવો બનતા હોય છે. જેને લઈને સામાન્ય આવાગમન અવરોધાતા જનજીવન ઉપર તેની વિપરિત અસરો પડતી હોય છે.
આવા સંજોગોમા તાત્કાલિક બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક વહીવટી તંત્રની નિગરાની હેઠળ ડાંગની ફોરેસ્ટ ફોર્સ અને પોલીસ ફોર્સના જવાનો, વરસતા વરસાદ વચ્ચે, દિવસ રાત જોયા વિના જનજીવનને પ્રભાવિત થતુ અટકાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી તરફથી મળેલી વિગતો અનુસાર તાજેતરમા ખાબકેલા અનરાધાર વરસાદને પગલે ડાંગ જિલ્લામા ઘાટ માર્ગો ઉપર ધરાશાઈ થયેલા વૃક્ષોને ફોરેસ્ટ ફોર્સના જવાનોએ તાત્કાલિક હટાવવાની જહેમત ઉઠાવી હતી.
તે જ રીતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા તરફથી મળેલી વિગતો મુજબ, ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગ ઉપર ધસી આવેલી માટી, પત્થરો, અને મલબો હટાવવાની કામગીરી પોલીસના જવાનોએ હાથ ધરીને, યાતાયાત રાબેતા મુજબ ચાલુ રહે તે સુનિશ્ચિત કર્યું હતુ.
કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલના જણાવ્યા અનુસાર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સાતે સાત માર્ગો ઉપર જે.સી.બી. સહિત તેમના લાશ્કરોએ સતત ઉપસ્થિત રહી, અવરોધાયેલા માર્ગોને તુરંત યાતાયાત માટે સુલભ બનાવ્યા હતા.
આમ, ફોરેસ્ટ અને પોલીસ ફોર્સના ખાખીધારી જવાનો સાથે માર્ગ મકાન વિભાગના કર્મયોગીઓએ આપાતકાલિન સ્થિતિમા ત્વરિત બચાવ રાહત કામગીરી હાથ ધરી, હમ સાથ સાથ હે નો સંદેશ વહેતો કર્યો હતો. ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આ ટિમ ભાવનાને બિરદાવી, કર્મયોગીઓના કાર્યની સરાહના કરી હતી.