
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રકતદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે તો દરેકે રકતદાન કરવું જોઇએ – જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા
નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ૫૦ થી વધુ શિક્ષક કર્મીઓએ રક્તદાન શિબીરમાં લીધો ભાગ:
રાજપીપલા :- કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે હેતુસર શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાજપીપલાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સ્વામી નારાયણ ગુરૂકુળના શ્રી સિધ્ધેશ્વર સ્વામીજી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણા, રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી એન.ડી.મહિડા અને ઉપપ્રમુખ ડૉ. દર્શનાબેન દેશમુખ, જન સેવા કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ સહિત જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના શિક્ષક કર્મીઓની ઉપસ્થિતિમાં “રકતદાન શિબિર” ને દિપપ્રાગટ્ય દ્રારા ખૂલ્લી મૂકાઇ હતી.
રાજપીપલાના સ્વામી નારાયણ ગુરૂકુળના શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીએ પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, શિક્ષણ વિભાગ અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે, તેમાં આપણે સહુ સહભાગી બનીએ. આપણે અનેક રીતે દાન કરીએ છીએ પરંતુ સૌથી શ્રેષ્ઠ દાન એ રકતદાન છે એટલે જ કહેવાયું છે “રક્તદાન એ મહદાન છે” તો તેમાં સહભાગી બનવાની સાથોસાથ બ્લડ ડોનરોને શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીએ શુભેચ્છા અને આશિર્વશન આપ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે, રાજ્યના શિક્ષણ વિભાગના સચિવશ્રી વિનોદ રાવના પ્રેરક સૂચનથી રકતદાન શિબિરનું આયોજન કરાયું છે, જેમાં અમે સહુ પ્રથમ શિક્ષકોનો સંપર્ક કર્યો અને તેના સહકાર થકી આજે ૫૦ થી વધુના રજીસ્ટ્રેશન કરાયાં છે. તેમના સહયોગ થકી આ રક્તદાન શિબિર સફળ અને ઉપયોગી બની રહેશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, રકતદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે તો દરેકે રકતદાન કરવું જોઇએ. સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્રારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૯૩૦ યુનિટ જેટલું રક્ત એકત્ર થયેલ છે. આજે નર્મદા જિલ્લાના રક્તદાન કેમ્પ થકી આ સંખ્યા ૧ હજાર યુનિટથી વધુ યુનિટ સુધી પહોંચશે.
શ્રી મકવાણાએ વધુમાં ઉમેર્યું હતું કે, સમાજ સેવા માટે કંઇક કરવું હોય તો માણસે સ્વાર્થ વૃત્તિ ન કરતાં પરમાર્થ વૃત્તિને વિકસાવીને બીજાની સેવા માટે બીજાના ઉપયોગ માટે કેવી રીતે જીવી શકાય તેવા હેતુ થકી શિક્ષકો દ્વારા રકતદાન કરાયું છે, તે બદલ તેઓશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
નાંદોદ તાલુકાના લીમટવાડાના CRC કો-ઓર્ડીનેટર અને રક્તદાતા શ્રી વાસુદેવભાઇ રાઠવાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેલા જરૂરીયાતમંદ લોકોને આ રકતદાન ખૂબ જ ઉપયોગી બની રહે છે. આજે અમે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું છે જેનાથી અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથોસાથ દરેક લોકોને રક્તદાન કરવા ગુરૂજનો તરફથી પ્રેરણા પુરી પડાઇ છે.
આ પ્રસંગે જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ૫૦ થી વધુ શિક્ષકકર્મીઓએ રક્તદાન શિબીરમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જ્યેશભાઇ પટેલે આભારદર્શન કર્યું હતું.