
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) અને CCS NIAM, જયપુરના સંયુક્ત ઉપક્રમે “વેરહાઉસિંગ ડેવલપમેન્ટ” વિષય પર જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજાયો:
દિનકર બંગાળ, આહવા: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) અને ચૌધરી ચરણ સિંહ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ (CCS NIAM), જયપુર ના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) વિષય પર એક જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ અપાવવા તેમજ સંગ્રહ અને નાણાકીય સુવિધાઓની જાણકારી પ્રદાન કરવાનો હતો.
કાર્યક્રમમાં CCS NIAM ના સલાહકાર ડૉ. રાહુલ સાંખલાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે અવારનવાર ખેડૂતો પોતાની ઉપજ મજબૂરીવશ ઓછા ભાવ પર વેચી દે છે. જો ખેડૂતો પોતાની ઉપજને WDRA થી નોંધાયેલા ગોડાઉનોમાં સુરક્ષિત રાખે છે, તો તેમને e-NWR (ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રસીદ) પ્રાપ્ત થાય છે. આ રસીદના આધારે ખેડૂતો બેંકમાંથી લોન અને વિવિધ પ્રકારની સબસિડી સુવિધાઓનો લાભ મેળવી શકે છે. આનાથી ખેડૂતો પોતાની ઉપજને યોગ્ય સમયે વેચીને વધુ નફો કમાઈ શકે છે.
ડો. હર્ષદ એ. પ્રજાપતિ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) દ્વારા લણણી પછીના નુકસાનને ઘટાડવા અને ખેતરના સ્તર પર સંગ્રહ પદ્ધતિઓ માટે કૃષિ ચીજવસ્તુઓના વૈજ્ઞાનિક સંગ્રહના ફાયદા અને શ્રી ગૌરાંગ પડસાળા (વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)) દ્વારા વેરહાઉસિંગના ફાયદા અને મુખ્ય સુવિધાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતિમ ભાગમાં ખેડૂતોને નજીકના વેરહાઉસની મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લગભગ ૫૦ ખેડૂતોએ સક્રિયપણે ભાગ લીધો હતો.



