શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ની આજ્ઞા અનુસાર ડાંગ જિલ્લા કારોબારી બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, સંગઠન પ્રભારી સીતાબેન નાયક ,જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર, નાયબ દંડક વિજયભાઈ પટેલ ,તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીતની અધ્યક્ષ સ્થાને આહવા ટીમ્બર હોલ ખાતે યોજાઈ હતી.
ડાંગ જિલ્લા કારોબારી બેઠકમાં નિધન થયેલા સામાજિક આગેવાન શ્રી ગાંડાભાઈ પટેલ અને ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલનું બેઠકમાં બહુમાન કર્યું હતું. પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના પેજ,બુથ,શક્તિ કેન્દ્રો પર માઈક્રો પ્લાનિંગ થકી ભવ્ય જીતની શ્રેય ની સરાહના કરી હતી. નાયબ દંડક શ્રી વિજય ભાઈ પટેલે રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ પ્રજા લક્ષી યોજનાઓની છણાવટ કરી કાર્યકર્તાઓને યોજનાઓ જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. સહકારી ક્ષેત્રે પણ સરકારની હકારાત્મક અભિગમ અંગે કાર્યકરોને માહિતગાર કર્યા હતા.ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરીકે જાહેર કર્યા બાદ આદિવાસી ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે પણ સતત કાર્યરત રહી કામગીરી કરવા અપીલ કરી હતી.નાયબ દંડકે સરકારની વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી પૂરી પાડી હતી.બેઠકમાં મજબૂત સંગઠન માટે એકતા જળવાય તેવા પ્રયાસો કરી જૂથવાદ,લડાઈ ઝગડા થી દુર રહી પાર્ટીને મજબૂત બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીતે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પ્રશંસા કરી હતી. ડાંગ જિલ્લામાં ગામડા ગામ નો ઝડપી વિકાસ માટે સરકારનો ગ્રામ પંચાયતના વિભાજન કરી જુદી જુદી ગ્રામપંચાયતો થકી ઝડપી વિકાસ સધાયો હોવાનું જણાવ્યું હતું. રાજ્યની સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર થકી ડાંગ જિલ્લામાં ખેતી,પશુપાલન, આરોગ્ય,શિક્ષણ,માર્ગો,જેવી પ્રાથમિક સુવિધાઓથી સજ્જ થઈ છે.આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ મોબાઈલ કનેક્ટિવિટીના કારણે ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સની સેવા મેળવી સમયસર સારવાર મેળવી નિદાન કર્યું છે. સરકારની વિવિધ યોજનાઓ લઇ આદિવાસી ખેડૂતો,વિદ્યાર્થીઓ ઓનલાઈન યોજનાઓ મેળવી અગ્રેસર બન્યા છે.તેવામાં ભાજપના વિકાસ આગળ વધારી આવનારી ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થાય તેવા પ્રયાસો હાથ ધરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા સંગઠન પ્રભારી સીતાબેન નાયકે દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન દ્વારા જનતા જનાર્દન ને કોરોના જેવી મહામારી માં મફત અનાજ તેમજ કોરોના વેકશીન આપી દેશને વિકાસની હરોળમાં રાખવા સક્ષમ રહ્યો છે.
દેશને તોડી રાજકીય રોટલા સેકતાં કેટલાક પક્ષો લોકોને મફત આપવાની લોભામણી જાહેરાતો કરે છે, પરંતુ દેશના લોકપ્રિય વડાપ્રધાને પહેલે થીજ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય જેવી આધુનિક સુવિધાઓ ધરાવતી શાળાઓમાં મફત શિક્ષણ,હોસ્પિટલમાં મફત સારવાર જેવા સંસાધનો અમલમાં મૂકી છે. આજે દેશ કોરોના જેવી મહામારી માંથી ઉગરી વિકાસના પંથે અગ્રેસર બન્યો છે. દેશ અને રાજ્યની ડબલ એન્જીન ની સરકારે ભૂતકાળની સરકારો માં છાસવારે બનતી કોમી હુલ્લડોને ભુતકાળ બનાવી સ્વચ્છ સુરક્ષિત શાસન આપી જનતાનો વિશ્વાસ જીત્યો છે.જેના કારણે 156 બેઠકો હાંસિલ કરી ભવ્ય રેકોર્ડ કર્યો છે. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલે રાજ્ય કેન્દ્ર સરકારની કામગીરીને કાર્યકર્તાઓ સમક્ષ મૂકી માહિતી પૂરી પાડી હતી. આદિવાસી સંસ્કૃતિ આજના આધુનિક યુગના માણસો પણ હવે અપનાવવા તલપાપડ બન્યા છે, જિલ્લો પ્રાકૃતિક જિલ્લો બન્યો હોય પ્રાકૃતિક ગુણો ધરાવતી નાગલી, વરાઈ,અન્ય કઠોળ જેવા પાકોની શહેરો માં મોટી માંગ રહે છે.જે સરાહનીય બાબત છે. ભાજપે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કોઈપણ પરિવાર યોજનાથી વંચિત ન રહે તેની કાર્યકર્તા જવાબદારી ઉપાડી જનજન સુધી યોજના પહોંચાડવા કટિબદ્ધ બને તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠકને સફળ બનાવવા સંગઠન મહામંત્રી હરિરામ સાવંત,કિશોરભાઇ ગાંવીતે જહેમત ઉઠાવી હતી.
ભાજપ કારોબારીની બેઠકમાં પ્રદેશ તેમજ જીલ્લાના હોદ્દેદારો,મંડળ ,સેલના કન્વીનર,સહ કન્વીનર,તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો,સદસ્યો,અપેક્ષિત શ્રેણીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી.