
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જન વસાવા
સમગ્ર નર્મદા જિલ્લામાં ૧૦ જેટલી ટીમના કર્મચારીઓ ગામેગામ જઇને કરી રહ્યાં છે EVM-VVPAT નું નિદર્શન :
વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શ હેઠળ ચાલી રહેલી મતદાન જાગૃત્તિ-તાલીમની કામગીરી:
જિલ્લાની જનતા ઠેર ઠેર જાગૃત્તિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાઇને લોકશાહીને મજબૂત બનાવવા આપી રહી છે પોતાનો સિંહફાળો :
રાજપીપલા, નર્મદા : આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ને ધ્યાને લઇને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર કામગીરીમાં જોડાયું છે. નોડલ અધિકારીશ્રીઓ, સેક્ટર અધિકારીશ્રીઓ સહિતની વિવિધ ટીમો નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ તાલીમની કામગીરી કરી રહી છે.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ૧૦ જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદા જુદા ગામોમાં જઇને EVM અને VVPAT ના નિદર્શન કાર્યક્રમો યોજી મતદારોને જાગૃત કરી રહ્યાં છે. જેમાં ૨૦ થી વધુ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ગામોમાં ફરીને બુથ પર, બસ સ્ટેન્ડ, જાહેર બજારોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, શેરી-ફળીયાઓ જેવી જાહેર જગ્યાએ EVM નું નિદર્શન યોજીને લોકોને તેનાથી માહિતગાર કરી રહી છે. નર્મદા જિલ્લાની જનતા પણ આવા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઇને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.