રાષ્ટ્રીય

ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવા સાથે શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા સંબોધન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવા સાથે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી દ્વારા કરાયેલ સંબોધન:

જોહર!

નમસ્કાર!

મને ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટવા બદલ હું સંસદ અને વિધાનસભાના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મારા માટે તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે.

ભારતના તમામ નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને અધિકારોનાં પ્રતીક આ પવિત્ર સંસદ તરફથી હું તમામ સાથી નાગરિકોને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું.

તમારો સ્નેહ, વિશ્વાસ અને સમર્થન મારા કાર્યો અને જવાબદારીઓને નિભાવવામાં મારી સૌથી મોટી શક્તિ હશે.

જ્યારે આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશે મને એક નિર્ણાયક સમયે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી છે.

આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે.

આ પણ એક યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.

અને આજે આઝાદીના 75મા વર્ષમાં મને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આવા ઐતિહાસિક સમયે જ્યારે ભારત આગામી 25 વર્ષ સુધી તેના વિઝનને સાકાર કરવા માટે પૂરા જોશ સાથે કામ કરી રહ્યું છે ત્યારે મને આ જવાબદારી સોંપવી એ મારા માટે મહાન સૌભાગ્યની વાત છે.

હું સ્વતંત્ર ભારતમાં જન્મેલી દેશની પ્રથમ રાષ્ટ્રપતિ પણ છું.

સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આપણે આ અમૃતકાળમાં ઝડપી ગતિએ કામ કરવું પડશે.

આ 25 વર્ષોમાં, અમૃતકાલના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો માર્ગ બે પાટા પર આગળ વધશે – સબકા પ્રયાસ ઔર સબકા કર્તવ્ય (દરેકનો પ્રયાસ અને દરેકની ફરજ).

ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફની નવી વિકાસયાત્રા કર્તવ્યના માર્ગે ચાલીને આપણા સામૂહિક પ્રયાસોથી હાથ ધરવાની છે.

અમે આવતીકાલે એટલે કે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવીશું. આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે.

આજે, હું દેશના સશસ્ત્ર દળો અને તમામ નાગરિકોને અગાઉથી મારી શુભકામનાઓ આપું છું.

બહેનો અને સજ્જનો,

મેં મારા જીવનની સફર દેશના પૂર્વ ભાગમાં ઓડિશાના એક નાના આદિવાસી ગામમાંથી શરૂ કરી હતી.

હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું, તે મારા માટે પ્રાથમિક શિક્ષણ મેળવવાના સ્વપ્ન જેવું હતું.

પરંતુ અનેક અવરોધો છતાં મારો નિશ્ચય મજબુત રહ્યો અને હું મારા ગામની કોલેજમાં જનારી પ્રથમ દીકરી બની.

હું આદિવાસી સમાજની છું. મને વોર્ડ કાઉન્સિલર તરીકે સેવા આપવાથી લઈને ભારતના રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે. લોકશાહીની માતા ભારતની આ મહાનતા છે.

દૂરના આદિવાસી વિસ્તારમાં ગરીબ ઘરમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે એ આપણી લોકશાહીની શક્તિને શ્રદ્ધાંજલિ છે.

મને રાષ્ટ્રપતિ પદ મળ્યું એ મારી અંગત સિદ્ધિ નથી, ભારતની દરેક ગરીબ વ્યક્તિની સિદ્ધિ છે.

મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને પૂરા પણ કરી શકે છે.

અને મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત છે અને જેઓ વિકાસના લાભોથી વંચિત છે, તે ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે.

મારી આ ચૂંટણીમાં દેશના ગરીબોના આશીર્વાદ છે. અને તે દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપના અને સંભાવનાઓને પ્રતિબિંબિત કરે છે.

મારી આ ચૂંટણી ભારતના આજના યુવાનોની હિંમત પણ દર્શાવે છે જે નવા રસ્તાઓ પર ચાલવા અને ખરડાયેલા રસ્તાઓથી દૂર રહેવા તૈયાર છે.

આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

આજે હું તમામ સાથી નાગરિકોને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે.

બહેનો અને સજ્જનો,

મારી સમક્ષ ભારતના રાષ્ટ્રપતિનો એવો મહાન વારસો છે જેણે વિશ્વમાં ભારતીય લોકશાહીની પ્રતિષ્ઠાને સતત મજબૂત કરી છે.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદથી લઈને શ્રી રામનાથ કોવિંદજી સુધીના દિગ્ગજ લોકોએ આ પદને શોભાવ્યું છે.

આ પદની સાથે દેશે મને આ મહાન પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી પણ સોંપી છે.

બંધારણના પ્રકાશમાં હું મારી ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવીશ.

મારા માટે, ભારતના લોકશાહી-સાંસ્કૃતિક આદર્શો અને તમામ નાગરિકો હંમેશા મારી ઊર્જાનો સ્ત્રોત રહેશે.

બહેનો અને સજ્જનો,

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામે એક રાષ્ટ્ર તરીકે ભારતની નવી સફરનો રોડમેપ તૈયાર કર્યો હતો.

આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ એ તે સંઘર્ષો અને બલિદાનોનો સતત પ્રવાહ હતો જેણે સ્વતંત્ર ભારત માટે ઘણા આદર્શો અને શક્યતાઓને પોષી હતી.

પૂજ્ય બાપુએ ભારતીય સાંસ્કૃતિક આદર્શોને સાકાર કરવાનો માર્ગ બતાવવા માટે સ્વરાજ, સ્વદેશી, સ્વચ્છતા અને સત્યાગ્રહનો આશરો લીધો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, નેહરુજી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવા અસંખ્ય લોકોએ આપણને રાષ્ટ્ર ગૌરવને સર્વોપરી રાખવાનું શીખવ્યું હતું.

રાણી લક્ષ્મી બાઈ, રાણી વેલુ નાચિયાર, રાણી ગેદિન્લિયુ અને રાણી ચેન્નમ્મા જેવી ઘણી બહાદુર મહિલા પ્રતિભાઓએ રાષ્ટ્રની રક્ષા અને નિર્માણમાં મહિલા શક્તિની ભૂમિકાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી.

સંથાલ ક્રાંતિ, પાયકા ક્રાંતિથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિ સુધી, આ તમામ ક્રાંતિએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને મજબૂત બનાવ્યું હતું.

અમે સામાજિક ઉત્થાન અને દેશભક્તિ માટે ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાજીના બલિદાનમાંથી પ્રેરણા મેળવી છે.

મને ખુશી છે કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયોની ભૂમિકાને સમર્પિત દેશભરમાં ઘણા સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે.

બહેનો અને સજ્જનો,

સંસદીય લોકશાહી તરીકે 75 વર્ષમાં ભારતે ભાગીદારી અને સર્વસંમતિ દ્વારા પ્રગતિના સંકલ્પને આગળ વધાર્યો છે.

વિવિધતાઓથી ભરેલા આપણા દેશમાં આપણે અનેક ભાષાઓ, ધર્મો, સંપ્રદાયો, ખાનપાન, જીવનશૈલી અને રીતરિવાજો અપનાવીને ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં રોકાયેલા છીએ.

આ અમૃતકાલ, જે આપણી આઝાદીના 75મા વર્ષ સાથે શરૂ થાય છે, તે ભારત માટે નવા સંકલ્પોનો સમયગાળો છે.

આજે હું મારા દેશને નવા વિચાર સાથે આ નવા યુગને આવકારવા માટે પ્રેરિત અને તૈયાર જોઉં છું.

આજે ભારત દરેક ક્ષેત્રમાં વિકાસનો નવો અધ્યાય ઉમેરી રહ્યું છે.

કોરોના મહામારીના વૈશ્વિક સંકટ સામે લડવામાં ભારતે જે પ્રકારની ક્ષમતા દર્શાવી છે તેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા વધી છે.

અમે ભારતીયોએ અમારા પ્રયત્નોથી આ વૈશ્વિક પડકારનો સામનો કર્યો જ નહીં પરંતુ વિશ્વ માટે નવા માપદંડો પણ સ્થાપિત કર્યા છે.

થોડા દિવસો પહેલા જ ભારતે કોરોના રસીના 200 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ સમગ્ર યુદ્ધમાં ભારતના લોકોએ જે ધીરજ, હિંમત અને સહકાર દર્શાવ્યો છે તે સમાજ તરીકે આપણી વધતી શક્તિ અને સંવેદનશીલતાનું પ્રતીક છે.

ભારતે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં માત્ર પોતાની સંભાળ લીધી જ નહીં પરંતુ વિશ્વની મદદ પણ કરી.

કોરોના મહામારીના કારણે સર્જાયેલા વાતાવરણમાં આજે વિશ્વ એક નવા આત્મવિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.

વૈશ્વિક આર્થિક સ્થિરતા, સપ્લાય ચેઇનની સરળતા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારત પાસેથી ઘણી આશાઓ છે.

આવનારા મહિનાઓમાં ભારત તેની અધ્યક્ષતામાં G-20 ગ્રુપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે.

આ સમૂહબેઠકમાં ભારતની અધ્યક્ષતામાં વિશ્વના 20 મોટા દેશો વૈશ્વિક મુદ્દાઓ પર મંથન કરશે.

મને ખાતરી છે કે ભારતમાં આ વિચારમંથનમાંથી જે તારણો અને નીતિઓ બહાર આવશે તે આવનારા દાયકાઓની દિશા નક્કી કરશે.

બહેનો અને સજ્જનો,

દાયકાઓ પહેલાં, મને રાયરંગપુરની શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરવાની તક મળી.

 થોડા દિવસો પછી, અમે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી મનાવીશું.

શિક્ષણ અંગે શ્રી અરબિંદોના વિચારો મને સતત પ્રેરણા આપતા રહે છે.

મેં શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય જોડાણ કર્યું છે, જાહેર પ્રતિનિધિ તરીકે અને પછી રાજ્યપાલ તરીકે વિવિધ હોદ્દા પર સેવા આપી છે.

મેં દેશના યુવાનોના ઉત્સાહ અને આત્મવિશ્વાસને નજીકથી જોયો છે.

આપણા આદરણીય અટલજી કહેતા હતા કે જ્યારે દેશના યુવાનો પ્રગતિ કરે છે, ત્યારે તેઓ ન માત્ર પોતાનું ભાગ્ય બનાવે છે પરંતુ દેશનું ભાગ્ય પણ ઘડે છે.

આજે આપણે તે સાકાર થતા જોઈ રહ્યા છીએ.

‘વોકલ ફોર લોકલ’ થી ‘ડિજિટલ ઈન્ડિયા’ સુધી – દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધી રહ્યો છે – આજનું ભારત, વિશ્વ સાથે કદમ મિલાવીને, ‘ઔદ્યોગિક ક્રાંતિ ફોર પોઈન્ટ ઓ’ માટે તૈયાર છે.

વિક્રમજનક સંખ્યામાં સ્ટાર્ટ-અપ બનાવવા, અસંખ્ય નવીનતાઓમાં અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં ભારતના યુવાનોની મોટી ભૂમિકા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવેલા નિર્ણયો અને નીતિઓને કારણે દેશમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.

હું ઈચ્છું છું કે આપણી બધી બહેનો અને દીકરીઓ વધુને વધુ સશક્ત બને જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન વધારતી રહે.

હું આપણા દેશના યુવાનોને કહેવા માગુ છું કે તમે માત્ર તમારું ભવિષ્ય જ નથી બનાવી રહ્યા પરંતુ ભવિષ્યના ભારતનો પાયો પણ નાખો છો.

દેશના રાષ્ટ્રપતિ તરીકે હું તમને હંમેશા મારો સંપૂર્ણ સહયોગ આપીશ.

બહેનો અને સજ્જનો,

વૃદ્ધિ અને પ્રગતિનો અર્થ છે સતત આગળ વધવું, પરંતુ તેટલીં જ મહત્વપૂર્ણ વ્યક્તિના ભૂતકાળ વિશે જાગૃતિ છે.

આજે જ્યારે વિશ્વ ટકાઉ વિશ્વની વાત કરી રહ્યું છે ત્યારે ભારતની પ્રાચીન પરંપરાઓ અને ટકાઉ જીવનશૈલીની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે.

મારો જન્મ એ આદિવાસી પરંપરામાં થયો હતો જે હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે.

મને મારા જીવનમાં જંગલો અને જળાશયોનું મહત્વ સમજાયું છે.

આપણે પ્રકૃતિ પાસેથી જરૂરી સંસાધનો લઈએ છીએ અને સમાન આદર સાથે પ્રકૃતિની સેવા કરીએ છીએ.

આ સંવેદનશીલતા આજે વૈશ્વિક અનિવાર્યતા બની ગઈ છે.

મને ખુશી છે કે ભારત પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે.

બહેનો અને સજ્જનો,

મારા અત્યાર સુધીના જીવનમાં મેં લોકસેવા દ્વારા જ જીવનનો અર્થ સમજ્યો છે.

પ્રસિદ્ધ કવિ શ્રી જગન્નાથ ક્ષેત્રના ભીમ ભોઈજીની કવિતાની એક પંક્તિ છે-

“મો જીવન પછે નરકે પડી થાઉ, જગતો ઉદ્ધાર હે”.

એટલે કે વિશ્વના કલ્યાણ માટે કામ કરવું એ પોતાના હિત કરતાં ઘણું મોટું છે.

વિશ્વના કલ્યાણની આ ભાવના સાથે, તમે બધાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર ખરા ઉતરવા માટે હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરવા માટે હંમેશા તૈયાર રહીશ.

ચાલો આપણે સૌ એક થઈએ અને ગૌરવપૂર્ણ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સમર્પિત ભાવના સાથે કર્તવ્યના માર્ગ પર આગળ વધીએ.

આભાર,

જય હિન્દ!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है