રાષ્ટ્રીય

પીએમ આવાસ યોજના થકી ગુજરાતના શહેરી- ગ્રામીણ વિસ્તારમાં કુલ ૯.૭૬ લાખથી વધુ આવાસ નિર્માણ થકી નાગરિકોને મળ્યું પોતાના “સ્વપ્નનું ઘર”:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ઘર વિહોણાના માથે પાક્કી છતના નિર્ધાર સાથે
¤ પીએમ આવાસ યોજના થકી ગુજરાતના શહેરી- ગ્રામીણ વિસ્તારમાં કુલ ૯.૭૬ લાખથી વધુ આવાસ નિર્માણ થકી નાગરિકોને મળ્યું પોતાના “સ્વપ્નનું ઘર”:
…………………
 ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ ઘર વિહોણા- કાચા આવાસ ધરાવતાં લોકોને સુવિધાયુક્ત પાકા આવાસ આપવાનો નિર્ધાર:
 ગામ વિસ્તારમાં પ્રતિ આવાસ કુલ રૂ. ૧.૫૨ લાખથી વધુની આર્થિક સહાય
 ગુજરાતમાં પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરીમાં કુલ. ૮.૬૧ લાખ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં કુલ.૪.૪૯ લાખ આવાસોનું લક્ષ્યાંક નક્કી કરાયું
 પીએમ આવાસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલય દ્વારા ગુજરાતને વિવિધ એવોર્ડથી સન્માનિત
 સમગ્ર ભારતમા પી.એમ.આવાસ હેઠળ કુલ ૩.૧૦ કરોડથી વધુ આવાસોનું નિર્માણ: આગામી એક વર્ષમાં ૮૦ લાખ નવા ઘરનું લક્ષ્યાંક
 પીએમ આવાસ ગ્રામીણ યોજનાને માર્ચ ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનો કેન્દ્રનો નિર્ણય
……………
 વ્યારા-તાપી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઘર વિહોણા તમામ નાગરિકોના માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવીને જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં કુલ ૯.૭૬ લાખથી વધુ નવા આવાસ તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.

ગુજરાતમાં ગુહ નિર્માણ-ગ્રામવિકાસ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ અને રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના સતત માર્ગદર્શનમાં આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૦ સુધી તમામ ઘર વિહોણાં-કાચા આવાસ ધરાવતા નાગરિકોને સુવિધાયુક્ત પાકા આવાસ આપીને લાખો કુટુંબનું પોતાના સ્વપ્નનું ઘરનું સપનુ સાચા અર્થમાં સાકાર કરવાનો નિર્ધાર કરાયો છે. મધ્યમ વર્ગના તમામને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાતમાં પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં કુલ ૮.૬૧ લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪.૪૯ લાખ નવીન આવાસ નિર્માણનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે જેને પૂર્ણ કરવા સંબંધિત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પીએમ આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદોને પોતાનું નવું સરનામું આપવાના હેતુથી અત્યાર સુધીમાં કુલ ૩.૧૦ કરોડથી સૌથી વધુ નવીન આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી એક વર્ષમાં વધુ ૮૦ લાખ નવા ઘર બનાવવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને સાકાર કરવા કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂ. 48 હજાર કરોડથી માતબર રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ લક્ષ્યાંકને મૂર્તિમંત કરવા પીએમ આવાસ યોજનાને આગામી માર્ચ ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી
રાજયના શહેરો/નગરોને ઝુંપડપટ્ટી મુકત કરવા અને શહેરી વિસ્તારમાં શહેરી ગરીબો- મધ્યમ વર્ગના લાભાર્થીઓને વ્યાજબી કિંમતના આવાસો ઉપલબ્ધ કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના – હાઉસીંગ ફોર ઓલ-શહેરીના ધ્યેય મંત્ર સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ૨૫ જૂન ૨૦૧૫ના રોજ યોજના જાહેર કરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં ગુજરાતની ૧૬૨ નગરપાલિકા, ૮ મહાનગરપાલિકા અને ૧ નોટીફાઇડ શહેર સાપુતારાનો આ યોજનામાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘટકવાર થયેલ પ્રગતિમાં અફોર્ડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશિપ ઘટક હેઠળ સરકારી ખુલી જમીનો પર ૪૦ ચો.મી સુધીના આવાસો બાંધવા રૂ. ૩ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઘર વિહોણા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ તથા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૫૦ લાખ એમ કુલ મળી રૂ. ૩ લાખની સહાય આપવામાં આવે છે. જયારે ૩૦ ચો.મીના આવાસ માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૩ લાખ તથા ૪૦ ચો.મી.ના આવાસો માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૫.૫૦ લાખ લાભાર્થી ફાળો ભોગવવાનો રહે છે. આ ઘટક અંતર્ગત કુલ ૨.૨૭ લાખ આવાસો મંજૂર કરાવી તે પૈકી ૧.૭ લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઇન સીટુ સ્લમ રી-ડેવલપમેન્ટ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો પર આવેલ ઝૂંપડાવાસીઓને તે જ જગ્યા પર સુવિધા સભર આવાસો વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ ઘટકમાં વર્ષ ૨૦૧૦ પહેલા સ્લમમાં રહેતા ઘર વિહોણા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થી તરીકે તમામ પરિવારોનો સમાવેશ આ ઘટક હેઠળ કરવામાં આવે છે. આ ઘટકમાં કુલ ૭૫ હજારથી પણ વધારે મંજૂર આવાસો પૈકી ૧૫ હજાર આવાસોની કામગીરી પૂર્ણ કરાઈ છે.

બેનીફીસીયરી લેડ કંસ્ટ્રક્શન ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન કે કાચુ-પાકું મકાન ધરાવતા હોય અને રૂ. ૩.૦૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘટક અંતર્ગત આવાસ બાંધકામ માટે રૂ ૩.૫૦ લાખ સુધીની સહાય જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ તથા રાજ્ય સરકારી દ્વારા રૂ. ૨ લાખ એમ કુલ મળી રૂ. ૩.૫૦ લાખની સહાય DBT દ્રારા ફાળવવામાં આવે છે. આ ઘટકમાં કુલ ૧.૪૪ લાખથી પણ વધારે મંજૂર આવાસો પૈકી ૫૩ હજાર આવાસોની કામગીરી પૂર્ણ કરાઈ છે.

જ્યારે ક્રેડિટ લિંક સબસિડી ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં ૬૦ ચો.મી સુધીના પ્રથમ આવાસ માટે લેવામાં આવેલી લોન પર રૂ. ૨.૬૭ સુધીની વ્યાજ સહાય આપવામાં આવી રહી છે. આ ઘટક અંતર્ગત કુલ ૪.૪૫ લાખથી વધારે લાભાર્થીઓને રૂ. ૧૦,૨૦૦ કરોડની વ્યાજ સહાયનો લાભ આપી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પ્રથમ ક્રમાકે ધરાવે છે.

આમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં આ ચાર ઘટકમાં મંજૂર કુલ ૮.૬૧ લાખ આવાસ પૈકી ૬.૨૪ લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જયારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ:
ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા ૨૦ નવેમ્બર ૨૦૧૬થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેન્દ્ર સરકાર ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.

આ યોજનાનો ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧ના કાયમી પ્રતિક્ષા યાદીમાં નામ ધરાવતા તેમજ “આવાસ પ્લસ”ના સર્વે મુજબ ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ નક્કી કરેલ માપદંડોને અનુરૂપ પાત્રતા ધરાવતા હોય તેવા ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા લાભાર્થીઓને નાણાંકીય સહાય પુરી પાડી નવા આવાસના બાંધકામ માટે સહાયરૂપ બનવાનો છે. જેમાં લાભાર્થીઓને પ્રતિ આવાસ રૂ.૧,૨૦,૦૦૦/- ની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ રોજગારી પેટે રૂ.૨૦,૬૧૦ની સહાય અને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦ એમ કુલ રૂ.૧,૫૨,૬૧૦ ની સહાય મળવા પાત્ર થાય છે.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન લાભાર્થીઓના કુટુંબની મહિલાઓને ધ્યાને રાખીને આવાસની સાથે બાથરૂમ બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૫,૦૦૦/- ની વધારાની સહાય “બાથરૂમ બાંધકામ સહાય યોજના” હેઠળ ૧૦૦% રાજય ભંડોળમાંથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/-ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે.

યોજના હેઠળ તમામ જિલ્લાઓને વિવિધ પાંચ ઝોનમાં વિભાજિત કરી ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને રાખી ૪૧ ટાઈપ ડિઝાઇન મુજબ ટકાઉ અને ભૂકંપ પ્રતિરોધક આવાસ બાંધવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારમાં ઘર વિહોણા લાભાર્થીઓને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૪,૪૯,૧૦૩ આવાસના લક્ષ્યાંક સામે ૨૪ મે ૨૦૨૨ની સ્થિતિએ ૩,૫૨,૭૭૬ નવા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ૪,૩૩,૨૯૩ આવાસ મંજૂર થયા છે જ્યારે ૧,૧૯,૫૬૭ આવાસ હાલમાં પ્રગતિ હેઠળ છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૯૧,૦૦૦, પંચમહાલ જિલ્લામાં ૫૪,૫૧૬, છોટાઉદેપુરમાં ૨૭,૬૮૬, અરવલ્લીમાં ૨૪,૩૫૫ અને બનાસકાંઠા જિલ્લામાં ૧૯,૪૩૨ આવાસો એમ રાજ્યના કુલ ૩૩ જિલ્લામાં ૩,૫૨,૩૭૬ આવાસો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પીએમ આવાસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલય દ્વારા ગુજરાતને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વગ્રાહી અમલીકરણમાં ડાંગ જિલ્લાને પ્રથમ જયારે વર્ષ ૨૦૧૯-૨૦માં શ્રેષ્ઠ કામગીરી બદલ પોરબંદરના રાણાવાવ તાલુકાને દ્વિતીય ક્રમે એવોર્ડ આપી સન્માનિત કરાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है