
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ: નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં સીકલસેલ રોગ સામે વ્યાપક લોકજાગૃતિ કેળવવા વિશેષ ઝુંબેશ-કેમ્પનું આયોજન હાથ ધરવા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનો અનુરોધ;
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠકમાં સાંસદશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સહિતના ચૂંટાયેલા સભ્યશ્રીઓના પ્રશ્ન-રજૂઆત સંદર્ભે જિલ્લા પ્રશાસન સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને તેના યોગ્ય, સમયસર અને ઝડપી ઉકેલ માટે અમલીકરણ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડી જરૂરી સૂચનાઓ આપી હતી.
સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ.ડિંડોર, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ નર્મદા જિલ્લામાં સિકલસેલ રોગ અંગે જિલ્લાના ઉંડાણના વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ-કેમ્પનું આયોજન કરીને આ અંગેની સારવાર તથા સરકારી સહાય સંદર્ભે વ્યાપક જનજાગૃતિ કેળવાય તેવા વિશેષ પ્રયાસો હાથ ધરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
બેઠકમાં ચર્ચા દરમિયાન સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા વગેરે જિલ્લાની વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચનો પણ કર્યા હતાં.
ઉક્ત બેઠકમાં બાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, ચૂંટાયેલ પ્રજાના પ્રતિનિધિશ્રીઓના જિલ્લાના નાના-મોટા પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટે વહિવટી વિભાગ અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનું સંકલન દર મહિને નિયમિત થતું હોય છે. આજની બેઠકમાં ‘નલ સે જલ’ યોજના, બાયપાસ રોડની જમીન સંપાદનની કામગીરી, આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે નવીન તળાવ બાંધકામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નોંધારાનો આધાર-ભિક્ષુક મૂક્ત રાજપીપલા વગેરે જેવા નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ છે. તેની સાથોસાથ શાળાના ઓરડાના બાંધકામથી લઇને આંગણવાડી સહિત શૈક્ષણિક વિભાગની પણ ઘણી બધી ચર્ચાઓ થઇ છે. આવા સુચારા સંકલનને લીધે અનેક પ્રશ્નોનો ઝીણવટ ભર્યો નિર્ણય પણ થાય છે. અને તેનું આયોજન પણ થાય છે. જેથી એક મહિના બાદ મળનારી બીજી સંકલનની બેઠકમાં ઉક્ત બાબતોની પણ પુન:સમીક્ષા થશે. અને તેના કારણે વહિવટીતંત્રની અંદરના ઉકેલ વિનાના અનેકવિધ પ્રશ્નોનો નિર્ણય પણ ઝડપથી લઈ શકાય, લોકોપયોગી આયોજન પણ ઝડપભેર પૂર્ણ કરી શકાય તે માટે દર મહિને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળે છે. આજની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ છે અને તેના કારણે વહિવટી પ્રશ્નોના નિકાલને બળ મળશે અને લોકોના કાર્યો પણ ઝડપથી પૂર્ણ થશે.