દક્ષિણ ગુજરાત

ડાંગના બાળકોના હક માટે આયોગ મેદાનમાં, બાળલગ્ન સામે જાગૃતિથી શિક્ષણ સુધી એક્શન પ્લાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના બાળકોના હક માટે આયોગ મેદાનમાં, બાળલગ્ન સામે જાગૃતિથી શિક્ષણ સુધી એક્શન પ્લાન:

દિનકર બંગાળ, આહવા: બાળ સુરક્ષા અને અધિકારોના સુદ્રઢીકરણ માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં આયોગના સચિવ ડી.ડી.કાપડીયા, સભ્ય સર્વે અમૃતાબેન અખિયાં, કમલેશભાઈ રાઠોડ અને ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આહવા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક બાળક ‘સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત’ બને તે દિશામાં કાર્યો થઈ રહ્યા છે. બાળકોના ઘડતરમાં આંગણવાડીઓની ભૂમિકા મહત્વની છે. જેમાં બાળકોની ૧૦૦% હાજરી અને સંપૂર્ણ પોષણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરીઓ આત્મનિર્ભર, સક્ષમ અને માનસિક રીતે મજબૂત બને તેવા પ્રયાસો થવા જોઈએ, જેથી તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરી શકે.

બેઠકને સંબોધતા આયોગના સચિવ ડી.ડી. કાપડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓને બાળમજૂરી મુક્ત, બાળલગ્ન મુક્ત અને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગવર્નન્સ તરફ લઈ જવાનો સરકારનો નિર્ધાર છે. તેમણે ઉમેર્યું કે, તમામ નાગરિકોએ પોતાની ભૂમિકા સમજીને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

ડાંગ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને રાખી શાળાઓમાં ભૌતિક સુવિધાઓમા વધારો કરી સીઝનલ હોસ્ટેલમા બાળકો માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવાં, સાથે સ્થળાતંર થતાં વાલીઓનું કાઉન્સેલિંગ કરી બાળકો પ્રત્યે સજાગતા રાખવા જણાવ્યું હતું. ખાસ કરીને જિલ્લામાં બાળ લગ્નો નાબૂદ થાય, તે બાબતે પ્રચાર પ્રસાર સાથે જાગૃતિ કાર્યક્રમો કરવાં, સ્થાનિક ગ્રામજનોમા જાગૃતતા ફેલાવા અધ્યક્ષસ્થાનેથી સૂચના અપાઈ હતી.

ડાંગ જિલ્લામાં બાળ અધિકાર બાબતે થયેલ કામગીરી બદલ આયોગે જિલ્લા વહીવટી તંત્ર, બાળ સુરક્ષા એકમ અને સંસ્થાઓના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ જિલ્લામાં શાળાઓમાં પ્રવેશ અપાવી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની કામગીરીને ચેરમેનશ્રીએ બિરદાવી હતી.

બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના બાળ અધિકાર સંમેલન (UNCRC, 1989) અંતર્ગત બાળકોના મૂળભૂત ચાર સિદ્ધાંતો ભેદભાવથી મુક્તિ, બાળકનું શ્રેષ્ઠ હિત, જીવન-વિકાસ અને સહભાગીદારીના અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચૌધરી, સહિતના અધિકારીશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ,ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન અને સભ્યશ્રીઓ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યશ્રીઓ,સ્વેચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ આયોગ સમિતિએ સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સાંદિપની વિદ્યાસંકુલ અને હોસ્ટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,સાપુતારા, એકલવ્ય રેસીડેન્સીયલ બોયઝ અને ગર્લ્સ સ્કૂલ ,માલેગાંવ, આંગણવાડી કેન્દ્ર, બોરખલ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ તેમજ શાળાની ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है