
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લઈ પગભર બન્યા વ્યારાના વસંતભાઈ ભોઈ:
કોરોના જેવા કપરાકાળમાં ખૂબ જ મુશ્કેલી અનુભવી અને પ્રધાનમંત્રીશ્રીની આ યોજના અમારા માટે આશિર્વાદરૂપ બનીઃ લાભાર્થી ભોઈ વસંતભાઈ માધુભાઈ
વ્યારા-તાપી: કોરોનાકાળમાં નાના ધંધા-રોજગાર ધરાવતા લોકો માટે જીવન દુષ્કર બની રહ્યું હતું. કોઈને કલ્પના સુધ્ધા ન હતી કે આ સમયમાં ધંધા-રોજગાર ઠપ્પ થઈ જશે અને જીવવુ કઠીન બની જશે. પરંતુ સરકારે દરેક લોકોની ચિંતા કરી હતી. ફેરીયા , ધંધો-રોજગાર,પાથરણાવાળા જેવા અનેક નાના લોકો માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સફળ નીવડી. આ યોજના હેઠળ નગરપાલિકા દ્વારા રૂા.૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીની લોન સહાય આપવામાં આવે છે. સમાજમાં વ્યાજ નું વિષચક્ર ચાલતુ હોય અને સરકાર દ્વારા આવી સહાય મળે ત્યારે નાના માણસો માટે આર્થિક ટેકો મળી રહે છે.
વ્યારા(દાદરી ફળિયા) ખાતે રહેતા અને સીટકવર, પેઈન્ટર બેનર-બોર્ડ બનાવનાર યોજનાના લાભાર્થી ભોઈ વસંતભાઈ માધુભાઈ પોતાનો નાનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના જેવા કપરા સમયમાં અમોને ખૂબ મુશ્કેલી પડી હતી. આવા સમયમાં વ્યારા નગરપાલિકાના માધ્યમથી મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની માહિતી મળી અને મેં તુરંત રૂપિયા દશ હજારની સહાય મેળવી યોજનાનો લાભ લઈ મારી દુકાન માટે જરૂરી માલ-સામાન ભરી દીધો અને મારો ધંધો ખૂબ સારો ચાલ્યો. ખરેખર જરૂરિયાતના સમયે જ મને આર્થિક મદદ મળી રહી અને પછી કામ કરવાની પણ મઝા પડી ગઈ. પછી તો મેં ફરી રૂા.૨૦ હજારની પણ લોન મેળવી અને મારા ધંધામાં હું પગભર બની ગયો. અમને ખૂબ સારો લાભ થયો અમારૂ ગુજરાન ચાલી રહે છે. મારા ધંધા-રોજગાર માટે મદદ કરનાર સરકારનો હું ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. દરેક લોકોને સંદેશ આપું છું કે સરકારની આવી યોજનાઓનો લાભ લઈ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે.
વ્યારા નગરપાલિકા એન.યુ.એલ.એમ. શાખા “ પી.એમ. સ્વનિધિ યોજના ”
Covid-19 થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓ તેઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે “ પી.એમ.સ્વનિધિ ” યોજના લાગુ કરવામાં આવેલ છે.
• યોજનાના મુખ્ય પાસાઓ:
રૂ।. ૧૦,૦૦૦ /- સુધીની સીક્યુરીટી ફી લોન., સમયસર લોન ચુકવણી પર ૭ % વ્યાજ સબસીડી.પ્રથમ લોન પુરી થયા બાદ બીજી લોન રૂ।. ૨૦,૦૦૦/- ની મળવા પાત્ર. તેમજ ડીજીટલ વ્યવહારો પર વાર્ષિક મહત્તમ રૂ।. ૧,૨૦૦/- કેશબેક.
એક માસમાં ઓછમાં ઓછા ૨૦૦ ડીજીટલ વ્યવહારો પર મહત્તમ રૂ।.૧૦૦/- કેશબેક.
આ યોજનાનો લાભ લેવા પાત્ર ધરાવતા શેરી ફેરીયાઓની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઇએ.ફેરી કરવા સિવાયનો જીવન – નિર્વાહ માટેનો અન્ય સ્ત્રોત ધરાવતા નહીં હોય.કોઇ પણ અન્ય સ્થળેથી ફેરીની અન્ય પ્રવૃત્તિ કરતા ન હોય.રીન્યુ કરવાની અવધી પૂર્ણ થયા બાદ રોજની રૂ।.૨૫/- લેટ ફી ભરી રીન્યુ કરાવવાનું હોય.
વ્યારા નગરપાલિકાને સરકારશ્રીમાંથી પી.એમ.સ્વનિધિમાં લોનનો લક્ષ્યાંક ૮૦૦ ફાળવેલ છે. જેની સામે ૧૨૨૫ અરજી બેન્કોમાં મોકલેલ છે. જેમાંથી ૧૦૬૧ મંજૂર થયેલ છે અને ૧૦૫૭ ડિસ્બર્ઝમેન્ટ થઇ છે.