
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:
સમગ્ર રાજ્યમાં એક માત્ર તાપી જિલ્લો જ્યાં ચુંટણી દરમિયાન ઇ-ડેશબોર્ડ દ્વારા દર 15 મિનિટે મતદાનના ડેટા રજૂ કરાયા:
વ્યારા : સમગ્ર રાજ્યમાં ગઈ કાલે જિલ્લા/તાલુકા પંચાયત અને નગર પાલિકાઓની ચુંટણીઓ યોજાઈ હતી. મતદાનને લઈને તાપી જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણીલક્ષી સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. લોકશાહીના આ પર્વમાં પ્રત્યેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીને મજબૂત બનાવવા પોતાની ભાગીદારી નોંધાવે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીએ સમગ્ર જિલ્લાવાસીઓને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચુંટણી જિલ્લાના મતદારો અને ભાવિ ઉમેદવારો સહિત સૌના માટે વિશેષ બની રહી હતી, કારણ કે સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લો જ એક માત્ર એવો જિલ્લો બન્યો કે જ્યાં ચુંટણી માટે પ્રથમ વાર ઇ-ડેશબોર્ડની રચના કરવામાં આવી હતી. જેમાં મતદાન ટકાવારીના ગ્રાફ સહિત દર 15 મિનિટે સ્ત્રી-પુરુષ તથા તેમના મતદાનની સંપૂર્ણ માહિતી વિસ્તાર/વોર્ડ તથા વિગતવાર ટકાવારી સહિત અપડેટ થઈ રહી હતી. જેમાં તાપી જિલ્લા ચૂંટણીતંત્ર તથા જિલ્લાના આઈટી વિભાગની ટીમ દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જે તાપી જિલ્લા માટે ગૌરવરૂપ કામગીરી કહી શકાય.
સમગ્ર ચુંટણી પ્રક્રિયા તરફ વિગતવાર નજર કરીએ તો સવારે 7 થી 9 દરમિયાન વ્યારા નગરપાલિકામાં 8.73 ટકા અને જિલ્લા/તાલુકા પંચાયતમાં 9.39 ટકા મતદાન થયું હતું. સવારે 11 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 23.74 ટકા અને જિ./તા.પંચાયતમાં 27.29 ટકા મતદાન થયું હતું. બપોરે 13.00 વાગ્યા સુધી નગરપાલિકામાં 39.91 ટકા અને જિ./તા.પંચાયતમાં 46.27 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સાંજે 19.00 કલાકે પ્રાપ્ત થયેલ વિગતો મુજબ નગરપાલિકામાં 70.06 ટકા અને જિલ્લા પંચાયતમાં 71.44 ટકા અને તા.પંચાયતમાં 71.68 ટકા મતદાન નોંધાયું હતું.
તાપી જિલ્લામાં યુવાનો, સ્ત્રી પુરુષ, સીનીયર સીટીઝન તથા દિવ્યાંગ નાગરિકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો મત આપ્યો હતો. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ,પોલીસ વિભાગ,વાહનવ્યવહાર વિભાગ સહિત સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ પોતાની શ્રેષ્ઠ ફરજ બજાવી પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે માટે કટીબધ્ધ બન્યા હતા. એકંદરે સમગ્રતય જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી કામગીરી સંપન્ન થઈ હતી.
				
					


