શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમા હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ દ્વારા સેમિનારનુ આયોજન કરાયું:
વઘઈ: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા-ડાંગ ખાતે નિવૃત આઇ.એ.એસ એધિકારી શ્રી ડૉ. એસ.કે. નંદાના અધ્યક્ષ સ્થાને હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ દ્વારા માર્ગદર્શન સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમની શરૂઆતમા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કૉલેજના પ્રાફેસર શ્રી ડૉ.દિલીપકુમાર ગાવિત દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉ.એસ.કે. નંદાએ ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ જીવનશૈલી, બુલબુલ સ્કાઉટ ગાઈડસ તેમજ ડાંગના પ્રાકૃતિક જીવનશૈલીને અપનાવવા આહવાન કર્યું હતુ. આ સાથે તેઓએ પોતાના ડાંગ સાથેના ભૂતકાળના પ્રસંગોને વર્ણવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મેશભાઈ શાહ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ, ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં શિસ્ત અને નિયમ પાલન તથા સ્કાઉટ ગાઇડ્સ વિશેની માહિતી પૂરી પાડવામા આવી હતી.
આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ ફેકલ્ટીના સેનેટ મેમ્બર પ્રદ્યુમનભાઈ જરીવાલા, સુરત જીલ્લા હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ચેરમેનશ્રી વિપુલભાઈ જરીવાલા, ડાંગ જીલ્લા હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ચેરમેનશ્રી ગીરીશભાઈ મોદી, સામાજિક કાર્યકર સુમનબેન દળવી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમા કોલેજના ૨૬૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાફેસર શ્રીમતી ભગીનાબેન પટેલ દ્વારા કરવામા આવ્યુ હતું.
પત્રકાર: દિનકર બંગાળ, વઘઈ (ડાંગ)