મારું ગામ મારાં ન્યુઝ

રાજ્ય કક્ષાના મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

રાજ્ય કક્ષાના મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો:

૨૪મા હપ્તા પેટે DBT મારફતે ડાંગ જિલ્લાના કુલ ૩૦,૫૯૮ ખેડૂતોને ₹૬૧૧.૯૬ લાખની સહાયનો સીધો લાભ મળ્યો:

દિનકર બંગાળ, આહવા: ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’ અંતર્ગત ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ (MSME), મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, જ્યાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો ડિજિટલ માધ્યમથી રીલીઝ કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષા ઉપરાંત ૧૮ જિલ્લા પંચાયત બેઠક દીઠ કુલ બે કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ નિહાળ્યું હતું અને વડાપ્રધાનશ્રીનું પ્રેરક સંબોધન સાંભળ્યું હતું.

પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત ૨૪મા હપ્તા પેટે ડાંગ જિલ્લાના કુલ ૩૦,૫૯૮ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹૬૧૧.૯૬ લાખની રકમ સીધી DBT દ્વારા જમા કરવામાં આવી છે. આ સહાય ખેતીકામમાં સીધી રીતે ઉપયોગી સાબિત થઈ રહી છે અને ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધુ દ્રઢતાથી આગળ વધી રહ્યા છે.

આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. ખેડૂતો આર્થિક રીતે સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવા દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કાર્યો થઈ રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડાંગ દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો છે, જ્યાં પ્રાકૃતિક પેદાશોની માંગ સતત વધી રહી છે. સ્થાનિક પ્રવાસન સ્થળોના વિકાસ સાથે સ્થાનિક સ્તરે રોજગારી ઊભી કરી પ્રાકૃતિક ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને વેચાણ વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

આ પ્રસંગે પ્રભારી મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કૃષિ અધિકારીઓ દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, જિલ્લા સદસ્ય શ્રી સ્નેહલભાઈ ઠાકરે, ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ, નાયબ વન સંરક્ષક (ઉત્તર) શ્રી મુરારીલાલ મીણા, નાયબ વન સંરક્ષક (દક્ષિણ) શ્રી નીરજકુમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઈ પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है