
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગમાં અણધાર્યા વરસાદી છાંટા ખેડૂતોની ઊંઘ ઉડાવી, પાક બચાવવાની દોડધામ શરૂ :
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. હવામાન વિભાગે વાદળછાયા વાતાવરણની આગાહી કરી હતી, પરંતુ સાંજ પડતાની સાથે જ અચાનક વરસેલા છુટાછવાયા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
આજે સાંજના લગભગ ૬ વાગ્યાના સમયે સાપુતારા તળેટીના વિસ્તારોમાં આકાશમાં એકાએક ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા. વાદળોની ગાજ સાથે જ વરસાદી છાંટા પડતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અણધાર્યા વરસાદથી ગભરાયેલા ખેડૂતો પોતાના ખેતરો તરફ દોડી ગયા અને ઊભા પાકને બચાવવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.
ખેડૂતોએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે તો ખેતરોમાં ઊભેલા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલમાં ચણા, ઘઉં, વટાણા અને ડુંગળી જેવા પાકો સંવેદનશીલ અવસ્થામાં હોવાથી વરસાદ ખેડૂતો માટે મોટો પડકાર બની શકે છે.
એક ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અણધાર્યો વરસાદ જો ચાલુ રહ્યો તો પાક બગડવાની ભીતિ છે. આજે તો વરસાદની ચિંતા કારણે આખી રાત ઊંઘ નહીં આવે.”
કુદરત જાણે ફરી એકવાર ખેડૂતોની કસોટી લઈ રહી હોય તેવો માહોલ હાલ ડાંગ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. છુટાછવાયા વરસાદે ખેડૂતોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી દીધી છે. હવે આગામી દિવસોમાં હવામાન કેવો વળાંક લે છે તેની ચિંતા સાથે ખેડૂતો આશા અને ભય વચ્ચે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.



