
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા નજીક સ્ટેટ હાઈવે પર ધામણખાડીનો પૂલની હાલત અત્યંત ખખડધજ;
માત્ર 4 વર્ષ પૂર્વે શરૂ કરાયેલા પૂલ ઉપર ખાડા પડી ગયા અને એક નજરે જોતા ખાડાઓ તળાવ જેવાં ભાસે છે : સ્લેબમાંથી સળિયા પણ બહાર નીકળી આવ્યા: તંત્રની ઊંઘ અથવા કોન્ટ્રાકટર ની બેદરકારી કોઈ રાહદારીનો જીવ લેશે?
નર્મદા; અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે દેડિયાપાડામાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં ધામણ ખાડી ઉપર ચાર વર્ષ પૂર્વે જ બનેલા બ્રીજ અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ બ્રીજની બાજુમાં આવેલો જ આવેલ પુલ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. “સબ કા સાથ સબ કા વિકાસ” નું સરકારનું સૂત્ર સાચાં અર્થમાં આદિવાસી વિસ્તારમાં સાર્થક થતું દેખાતું નથી!
દેડિયાપાડામાં આવેલી ધામણ ખાડી ઉપર બ્રીજ બનાવ્યાને હજી ચાર જ વર્ષ જેટલો જ સમય વિત્યો છે. ત્યાં તો બ્રીજમાં મોટા ગાબડાં પડી ગયા છે. વરસાદને પગલે રોડ ધોવાઈ જતાં ખાડા અને કિચ્ચડે સામ્રાજ્ય જમાવ્યું છે. આ રસ્તો અંકલેશ્વર તરફથી મહારાષ્ટ્ર તરફનો મુખ્ય ધોરી માર્ગ હોવાની વાહનોની અવર જવર પણ ભારે રહેતી હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા બ્રીજ ઉપર કોઈપણ પ્રકારનું સમારકામ નહીં કરવામાં આવતાં હવે તો બ્રીજના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે. આ બ્રીજની બાજુમાં આવેલ બ્રીજ નબળો પડી ગયો હોવાથી તેને સદંતર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે વાહન ચાલકોની હાલત કફોડી બની ગઇ છે.
જિલ્લા મથક તરફ જવાનો બ્રીજ પણ ખખડધજ:
દેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથક સાથે જોડતા માર્ગ ઉપર પારસી ટેકરા પાસેનું નાનુ પૂલિયુ પણ ખુબ જ ખરાબ હાલતમાં છે. વર્ષો જૂના આ પૂલિયાને સ્થાને જો નવો બ્રીજ બનાવવામાં આવે તો મોટાભાગની સમસ્યાનો હલ થઈ જાય તેમ છે. આ સાંકડા પૂલિયાની બન્ને સાઈડ ઉપર પણ રેલિંગ નહીં મુકાતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.