
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરના સહિયારા પ્રયાસથી મહિલાના પરીવારનો સાથે મિલન કરાવ્યું:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આહવા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.ડી.સુથાર તેઓના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન આશરે રાત્રીના ૧૧ વાગ્યાના સમયે દેવિનામાળ જતા રસ્તે એક અજાણી વૃધ્ધ મહિલા જે ડાંગી પહેરવેશમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી.
આ મહિલાની ઉંમર આશરે ૫૦ વર્ષની હતી. મહિલાને પુછપરછ કરતા તેણીએ કોઇ જવાબ આપેલ નહી. અને માનસિક અસ્વસ્થ તથા તે કેટલાક દિવસ થી ભૂખ્યા હોવાનું જણાયેલ જેથી વ્રુધ્ધ મહિલાની કરુણ સ્થિતીને પારખી જઇ રાત્રીના સમયે જંગલી જનાવર કે કોઈ વાહન થી રોડ પર અકસ્માત પણ થઈ શકે તેમ હોય સાથે જ મહિલા સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડાંગ પોલીસે પોતાની PCR વાનમાં બેસાડી મહિલાને સહી સલામત આહવા લાવવામાં આવી હતી. તેમજ તેણીને ભોજન વિગેરે ની વ્યવસ્થા કરી સખીવન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી.
અહીં સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાનું કાઉન્સ્લીંગ કરવામાં આવ્યું હતુ. જે કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાનું નામ નીમળીબેન ગામિત ગામનું નામ ઉમરપાડા મહારાષ્ટ્ર ના હોય તેવુ જણાવેલ હતું. જેથી આ ગામમાં તપાસ કરાવતા તેમના સગા સબંધી મળી આવ્યાં હતા. જે બાદ તેઓને આહવા ખાતે બોલાવી નિમળીબેનનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. મહિલાના પરીવારજનોએ ડાંગ પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની માનવતાસભર કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.