શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના સુબિર ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટરશ્રી ભાવિન પંડયા :
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ :
તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ કરાયુ અભિવાદન:
ડાંગના જિલ્લા કક્ષાના સુબિરના કાર્યક્રમ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ગડદ ગામે અને વઘઇનો કાર્યક્રમ દગડીઆંબા ખાતે યોજાયો :
જિલ્લાના પસંદગીના ૨૦ જેટલા અમૃત સરોવર ખાતે પણ કરાયુ ધ્વજવંદન :
આહવા: ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના સુબિર ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયાએ, સૌને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે યોજાયેલા સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી.
દેશ સમસ્તની જેમ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા સાથે ડાંગ જિલ્લામા પણ ખડા થયેલાદેશભક્તિના અનોખો માહોલની સરાહના કરતા કલેક્ટરશ્રીએ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ અભિવાદન કરાયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગના જિલ્લા કક્ષાના સુબિરના કાર્યક્રમ સાથે આહવા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ગડદ ગામે, અને વઘઇ તાલુકાનો કાર્યક્રમ દગડીઆંબા ખાતે યોજાયો હતો. સાથે જિલ્લાના પસંદગીના ૨૦ જેટલા અમૃત સરોવર ખાતે પણ સ્થાનિક પદાધિકારીઓના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ.
સુબિર સ્થિત નવજ્યોત હાઇસ્કુલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન કલેકટર શ્રી પંડ્યાએ ખુલ્લી શણગારેલી જીપમા પરેડ નિરીક્ષણ કરી, પ્રજાજનોનુ અભિવાદન ઝીલી, પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતુ.
કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી. રાષ્ટ્રધ્વજને અહીં એકવીસ રાયફલોના ફાયરિંગ (હર્ષ ધ્વનિ) સાથે સલામી અપાઈ હતી. મહાનુભાવોએ શાળાના પટાંગણમા વૃક્ષારોપણ પણ કર્યું હતુ.
પ્રજાજોગ ઉદબોદ્ધન દરમિયાન કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. શ્રી પંડ્યાએ જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા, રમત ગમત, ગ્રામ વિકાસ, અને ૧૫મા નાણાં પંચના વિકાસ કાર્યોની વિગતો રજૂ કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે સુબિર તાલુકાના વિકાસ માટે ₹ ૨૫ લાખ, અને વઘઇ તથા આહવા તાલુકાને રૂપિયા પાંચ પાંચ લાખનુ વિશેષ અનુદાન અર્પણ કરાયુ હતુ.
દરમિયાન ડાંગ પોલીસ દ્વારા પરેડ કમાન્ડર શ્રી એસ.બી.ગાવિતની રાહબરી હેઠળ હથિયારી પોલીસ, અને મહિલા પોલીસ, પોલીસ બેન્ડ, હોમગાર્ડ, અને ગ્રામ રક્ષક દળના જવાનોની માર્ચ પાસ્ટ અને પરેડ યોજાઈ હતી. જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા સહિત અઢાર જેટલા શ્રેષ્ઠ રમતવીરો, શિક્ષકો, અને હર ઘર તિરંગો અભિયાન અંતર્ગત યોજાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓ, બોર્ડની પરીક્ષાઓમા સો ટકા પરિણામ લાવનાર શાળાઓ, પ્રતિભાશાળી શિક્ષકો વિગેરેનુ જાહેર સન્માન કરાયુ હતુ.
સુબિરના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમા ડાંગના વાસુરણા સ્ટેટના માજી રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, પીમ્પરના રાજવી શ્રી ત્રિકમરાવ પવાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બુધુભાઈ કામડી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગામીત, ભાજપા અધ્યક્ષ શ્રી દશરથભાઈ પવાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની આયોજન વ્યવસ્થા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા તથા તેમની ટીમે સંભાળી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા. સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કલેકટર શ્રી ભાવીન પંડ્યાના પરિવારજનો પણ આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.