
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
દેડિયાપાડામાં 1 કરોડના ખર્ચે તૈયાર થનાર સમાર્ટ લાઈબ્રેરીનું કામ ટલ્લે ચડયું,
જમીન ફાળવણી થઈ પણ ખાતમુહૂર્ત માટે તંત્ર પાસે કોઈ મુહૂર્ત નીકળતું નથી!
તંત્રની ઉદાસીનતા દ્વારા હજુ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની તૈયારીઓ માટે અધ્યતન સવલત વાળી લાઈબ્રેરી ની સુવિધા માટે કેટલી રહા જોવી પડશે.?
નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા તાલુકા મથકે પારસીટેકરા ખાતે તાલુકા કક્ષાની સરકારી પુસ્તકાલયના બાંધકામ માટે 2 હજાર ચોરસ મીટરની જગ્યાની સૈદ્ધાંતિક મંજૂરી તેમજ 1 કરોડના ખર્ચે અત્યંત આધુનિક ‘ સ્માર્ટ ગ્રીન લાઈબ્રેરી’ ની ભેટ કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
ગત 4 એપ્રિલના રોજ પારસીટેકરા ખાતે આવેલી સર્વે નંબર 260 માં લાઈબ્રેરીના બાંધકામ માટે જમીન માપણી કરવા માટે ગયેલા DILR નર્મદાના કર્મચારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસ સ્ટાફનો સ્થાનિકો રહીશો દ્વારા વિરોધ કરાતા જમીનની માપણી મુલતવી રાખવી પડી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત ડેડીયાપાડા દ્વારા પાનસર રોડ પર આવેલી જમીન લાઈબ્રેરીના બાંધકામ માટે આપવાની સહમતી પણ દર્શાવી હતી. જે માટે આ જમીનની સાફ સફાઈ તેમજ જમીન સમતળ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
કલેકટરના હુકમ કર્યાના બે મહિના વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા લાઈબ્રેરીના બાંધકામ માટે જમીન માપણીની કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જમીનની માપણી કે તેનો કબજો તંત્ર દ્વારા લાઈબ્રેરી વિભાગને કરવામાં આવ્યો નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વારંવાર તંત્રને રજુઆત કરતા આ લાઈબ્રેરી માટેની ગ્રાન્ટ તેમજ જગ્યા સરકારે ફાળવી હતી. તો શું વર્ષો બાદ તાલુકાને અને વિદ્યાર્થીઓ માટે ઉભી થતી લાઈબ્રેરીની સુવિધાને કાયમ માટે બ્રેક લાગી જશે કે કેમ ? કલેક્ટર દ્વારા ફાળવાયેલી જમીનનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો શું હવે અન્ય જગ્યાની ફાળવણી કરવામાં આવશે ? તેવા સવાલો હાલ લોકોમાં ઉદભવી રહ્યા છે. તંત્ર જમીન બાબતે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવી વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય કરે એ જરૂરી છે.