શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા વહીવટી તંત્ર આપના ઘર આંગણે સરકારની સેવાઓ અંગે જાણકારી આપવા આવ્યું છે:-કલેકટર એચ.કે.વઢવાણિયા
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાની સરાહનિય પહેલને આવકારી
ગુડ ગવર્નન્સ અંતર્ગત વાલોડના ગોલણ ગામે રાત્રીસભા યોજાઈ;
વ્યારા: તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત વાલોડ તાલુકાના ગોલણ ગામે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર સહિત ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઈ હતી. આ રાત્રીસભામાં હથુંકા, ભીમપોર, નાલોઠા, દાદરીયા ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વ્યક્તિગત અને સામુહિક વિવિધ યોજનાઓની જાણકારી અને લાભ સૌને મળે તે હેતુથી જિલ્લામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે જયારે મોટાભાગના લોકો પોતાની દિનચર્યા પુરી કરી ઘરે પરત આવી જતા હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આપના ઘર આંગણે સરકારની સેવાઓ અંગે જાણકારી આપવા આવ્યું છે. ત્યારે સૌએ વિવિધ વિભાગોના યોજનાકિય લાભો લેવો જોઇએ.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જિલ્લા પંચાયતની યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે વિવિધ કાયદાકીય જોગવાઓ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાના સરાહનિય પહેલને આવકારી હતી.
આ પ્રસંગે રાત્રી ગ્રામસભા દરમિયાન રજૂ થયેલ મોટા ભાગના વ્યક્તિગત/સામુહિક પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવ્યું હતું જ્યારે કેટલાક નીતિ વિષયક પ્રશ્નો બાબતે રાજ્ય કક્ષાએ રજુઆત કરી વહેલી તકે ઉકેલ લાવવાની વહીવટી તંત્રે ઉપસ્થિત ગ્રામજનોને હૈયાધારણ આપી હતી.
આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામા, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ. ડોડિયા, પ્રાંત અધિકારી હિતેશ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, તકેદારી અધિકારી એચ.કે.ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, પશુપાલન નિયામક એ.જે. શાહ ઉપસ્થિત રહી યોજનાકીય જાણકારી આપી હતી.