ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ડાંગ જિલ્લાના છ લાભાર્થીઓને રૂ.૪૦ લાખ ૩૫ હજારની કિમતના ટ્રેક્ટર અને ટ્રોલીનુ વિતરણ કરવામાં આવ્યું:
તા: ૨૦: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિ પરિવારના આર્થિક ઉત્કર્ષ સાથે તેઓ પગભર બની આત્મનિર્ભર થાય તે હેતુથી વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવી રહ્યો છે. જે મુજબ સ્વરોજગારી માટે વિવિધ ધંધાના હેતુસર રૂ.૨૫ હજારથી લઈને રૂ.૫ લાખ સુધીની લોન, તેમજ NSTFDC (નેશનલ સીડ્યુલ ટ્રાયબલ ફાઈનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન) યોજના હેઠળ ટ્રેક્ટર/વાહનો માટેની લોન સહાય આપવામા આવે છે.
આ યોજનાનો વધુમા વધુ લોકો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. જે મુજબ આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર શ્રી બાબુરાવ ચૌર્યા સહીત આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંતની ઉપસ્થિતિમા તાજેતરમા આહવા ખાતે છ લાભાર્થીઓને કુલ રૂ.૪૦ લાખ ૩૫ હજારની કિમતના ટ્રેક્ટર અને ટ્રેક્ટર સાથે ટ્રોલીનુ વિતરણ કરાયુ હતુ.
ડાંગના પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરાના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાના ધુડા, મહાલપાડા, કરંજડા, ચિકાર, ગારખડી, અને બિલબારી ગામના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આ લાભો એનાયત કરવામા આવ્યા છે.
જિલ્લાના અન્ય લાભાર્થીઓને આ યોજનાનો વધુમા વધુ લાભ લેવાનો અનુરોધ કરતા શ્રી ભગોરાએ આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાયોજના વહીવટદારની કચેરી, આહવા ઉપરાંત ધર્મેશ પરમાર (મો નંબર; ૯૪૨૭૧ ૨૮૩૪૫) તથા www.gujarataadijativikascorporation.gov.in નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.