
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગમાં રોકાણ ડબલ કરવાની લાલચ આપીને રૂ. ૧૫.૪૦ લાખની છેતરપીંડી કરનાર આરોપી પોલીસના જાળમાં:
લાલચની સ્કીમથી લાખો ઉઠાવ્યા, બલવાડા ગામે લગ્નમાં પહોંચતાં જ પોલીસએ દબોચ્યો આરોપી:
માર્કેટિંગ સ્કીમના બહાને ૧૮.૪૦ લાખની ઉઘરાણી, ૧૫.૪૦ લાખ લઈને ભાગેલો ઠગ:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ સામે પોલીસ દ્વારા સખત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તથા ના. પોલીસ અધિક્ષક જે. એચ. સરવૈયાના માર્ગદર્શન અને દેખરેખમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે લાંબા સમયથી ફરાર રહેલા છેતરપીંડીના આરોપીને ઝડપી પાડી કાયદાની પકડમાં લાવ્યો છે.
મળતી વિગતો મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ અને ગુનાખોરી પર લગામ લગાવવા માટે સઘન તપાસ હાથ ધરી રહી હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી બલવાડા ગામે એક લગ્ન પ્રસંગે હાજર રહેવાનો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ (ઉંમર ૪૨), રહે. હેમંતબાગ, મોગરાવાડી, જી. વલસાડે આહવા વિસ્તારમાં રહેતા ફરિયાદી સહિત અન્ય લોકોને માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. આરોપીએ છ મહિનામાં મુદ્દલ રકમ પરત આપવાની તેમજ સાત મહિનામાં રોકાણ કરેલી રકમ ડબલ કરીને આપવાની આકર્ષક સ્કીમ બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં લીધા હતા. આ રીતે લોકોથી કુલ રૂ.૧૮,૪૦,૦૦૦ જેટલી મોટી રકમ સ્કીમમાં રોકાણ કરાવવામાં આવી હતી.
શરૂઆતમાં લોકોને શંકા ન થાય અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે આરોપીએ છૂટક રીતે રૂ.૩,૦૦,૦૦૦ પરત આપ્યા હતા. પરંતુ ત્યારબાદ બાકીના રૂ.૧૫,૪૦,૦૦૦ પરત આપ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ આહવા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો નોંધાતા પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ હતી.
દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે બલવાડા ગામે સાવચેતીપૂર્વક વોચ ગોઠવી હતી. લાંબી રાહ જો્યા બાદ આરોપી સંજયભાઈ રાઠોડ ત્યાં આવી પહોંચતા પોલીસે તરત જ ચુસ્ત કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને આહવા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.



