શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
એકલવ્ય મોડેલ રેસીડેન્સિય સ્કુલ મહાલ ખાતે “કિશોરી મેળો” યોજાયો:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા સુબીર તાલુકાના મહાલ ગામમાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સિય સ્કુલ ખાતે “કિશોરી મેળો” નું આયોજન કર્યુ હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી નિષાબેન એ. મુલતાનીએ કિશોરીઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ, નોકરીની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, કિશોરી બાળકોના હક અને કાયદા વિશેની સમજ, ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોકસો એક્ટ હેઠળ મફત કાનૂની સહાય તથા કાયદાઓની જોગવાઈ, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ વિશેની ઉંડાણપુર્વક માહિતી આપી હતી.
બાળ લગ્નના કારણે દિકરીઓમાં ઉદભવતી સમસ્યા વિશે વિગતવાર માહિતી આપી બાળ લગ્નો ન કરવા, તેમજ કિશોરીઓને પોષમયુક્ત આહાર લેવા જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના CHO હેમલતાબેને મેન્સટૂઅલ હાઇજીન, કિશોર અવસ્થા દરમિયાન થતા શારીરિક તથા માનસિક ફેરફારો અને સ્વાસ્થય અને માસિકધર્મ વખતે થતી તકલીફો અને સાર સંભાળ તેમજ સેનેટરી પેડ નો ઉપયોગ અને તેના સુરક્ષિત ડિસ્પોઝ વિગતે જાણકારી આપી હતી.
SHE ટીમના પોલિસ કોન્સટેબલ શ્રી જાગૃતિબેને સાયબર સેફટી અને બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો ધારો – ૨૦૧૨ અંતર્ગત માહિતી આપી હતી. ICDS વિભાગના મુખ્ય સેવિકા કમળાબેને કિશોરીઓને પોષણયુક્ત આહાર લેવા તથા પુર્ણા યોજના હેઠળ મળતા વિવિધ પુર્ણા શક્તિ પેકેટ તેમજ મિલેટસને આહાર તરીકે લેવા માટે જણાવ્યું હતુ. જેન્ડર સ્પેસ્યાલીસ્ટ શ્રી પિયુષભાઇ ચૌધરી ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘વ્હાલી દિકરી યોજના’ વિશે માહિતી આપી હતી.
આ મેળામાં ઉપસ્થિત મેડિકલ ટીમ દ્વ્રારા કિશોરીઓને વજન ઉંચાઇ અને HB ચેક કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રથમ ક્રમે આનંદીબેન વિજયભાઇ, દ્વ્રિતીય ક્રમે કિંજલબેન, અને તૃતીય ક્રમે અશ્વિનાબેન અને આશાબેન સયુંકત રીતે આવેલ હતા. જે કિશોરીઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવી હતી.
આ ઉપરાંત અહિં ‘બેટી બચાવો બેટી’ પઢાવો થીમ આધારીત રંગોળી સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય અનુક્રમે અર્મુબેન અને અંકુલાબેન તથા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય અનુક્રમે આવેલ રોશનીબેન અને રંજીતાબેન, વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય અનુક્રમે સેજલબેન અને નયબાબેન જે તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મહાલના કર્મચારીગણ અને સરકારશ્રીના વિવિધ વિભાગોએ જહેમત ઉઠાવી હતી.