શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ ૨૦૨૩
કહેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો ભવ્ય પ્રતિસાદ…
સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી ગ્રામજનોએ સંકલ્પ યાત્રાને ઉમળકાભેર આવકારી:
વિકસિત ભારત તરીકે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરન્ટી સાથે યાત્રા ઘુમી રહી છે.:- ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા
વાલોડ: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામે પ્રાથમિક શાળા ના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ભારે પ્રતિસાદ મળ્યો હતો. ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને વાલોડ તાલુકા પ્રમુખ શ્રીમતિ વર્ષાબેન રાઠોડ સહિત મહાનુભાવો અને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ભવ્ય આવકાર આપ્યો હતો.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત તરીકે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરન્ટી સાથે યાત્રા ઘુમી રહી છે. ત્યારે ગરીબમાં ગરીબ લાભાર્થીઓને સાચા અર્થમાં યોજનાઓનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબધ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જનજન સુધી પહોંચવા માટે શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ,વાયબ્રન્ટ ગુજરાત લાવ્યા, પરિણામે દરેક નાગરિક જાગૃત થાય તે માટે ભગિરથ પ્રયાસ હાથ ધર્યો હતો. વધુમાં પ્રધાનમંત્રીશ્રીએ ગરીબો માટે મફત અનાજ આપવા માટે યોજનાને હજુ પાંચ વર્ષ સુધી લંબાવી દીધી છે. આમ આપણાં પ્રધાનમંત્રી નાની નાની બાબતોની ચિંતા કરે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ધારાસભ્યશ્રી ઢોડિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે આદિવાસી ક્ષેત્રમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં રાજ્ય અને કેન્દ્ર મળીને રૂા.૧૦ લાખ સુધીનું સુરક્ષા કવચ પુરૂ પાડ્યું છે. વધુમાં કોરોના જેવા કપરા કાળમાં આરોગ્ય વિભાગ તેમજ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ સુંદર કામગીરી કરી છે. તેમની સેવાઓને ધારાસભ્યશ્રીએ બિરદાવી હતી.કહેર ગામમાં ૮૪ જેટલા આવાસ આપ્યા છે. જ્યારે મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૫૭૦૦ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ ૫૮૬ હળપતિ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે.
કહેર સરપંચશ્રી કંકુબેને મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે નલ સે જલ યોજના અમારા ગામમાં મળવાથી બહેનોને પાણીનું સુખ મળ્યું છે. દાદરી ફળિયા અને તાડ ફળિયામાં આરસીસીની બે ટાંકી તૈયાર થઈ ગઈ છે.ધારાસભ્યના પ્રયાસ થકી પાણી પુરવઠાની વાસ્મોની યોજના અમારા માટે આશિર્વાદરૂપ બની છે.બહેનોને સમયસર પાણી મળી રહે તો પશુપાલન સારી રીતે કરી શકે સાથે બીજા કામો પણ સમયસર કરી શકે છે. અને બે પૈસાની બચત પણ થાય છે. તેથી અમારા ગામની બહેનો વિકાસ કામોથી અત્યંત ખુશી વ્યક્ત કરે છે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ,આરોગ્ય વિભાગ, આંગણવાડી, ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો ના હસ્તે યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.તેમજ ખો-ખો, એથ્લેટીક્સ જેવી રમતમાં નેશનલ પ્લેયર તરીકે ગૌરવ અપાવનાર કહેર ગામની દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિસરમાં સરકારશ્રીના યોજનાકીય સ્ટોલો ઉપર જુદા જુદા વિભાગની માહિતીઓ પુરી પાડવામાં આવી હતી. લોકોએ ખૂબ જ ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમને વધાવી લીધો હતો.
આ પ્રસંગે, જિલ્લા સદસ્ય ભૂપેન્દ્રભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.પટેલ, કેવીકે-વ્યારાના ડો.આરતીબેન સોની , પ્રાથમિક શાળાના શિક્ષકો, આઈસીડીએસના મીનાબેન પરમાર, તલાટીઓ, ગ્રામસેવકો, પંચાયતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.