
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
નડગચોંડ ગામે આદિવાસી એકતાનો અનોખો નજારો, ૧૦૦૦ વૃક્ષો વાવી ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડગચોંડ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, લોકજીવન અને પ્રકૃતિ સાથેના અતૂટ નાતાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ગામનું સમગ્ર વાતાવરણ આદિવાસી પરંપરાના રંગોથી રંગાઈ ગયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ આદિવાસી રીત-રિવાજ મુજબ સ્થાનિક દેવ-દેવતાઓની પૂજા-અર્ચના તથા પ્રકૃતિને વંદન કરીને કરવામાં આવ્યો હતો. પરંપરાગત વાજિંત્રોના સૂર, લોકગીતો અને મનમોહક આદિવાસી નૃત્યોની રમઝટ વચ્ચે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ગ્રામજનો અને યુવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખને જીવંત કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પ્રકૃતિને જીવનનો આધાર માનતા નળગચોંડ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં આશરે ૧૦૦૦ જેટલા વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા હરિયાળું અને પર્યાવરણમૈત્રી ગામ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સરલાબેન પવાર તેમજ માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસ, આગવી લોકસંસ્કૃતિ, પરંપરાગત વારસાના જતન તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના સંવર્ધન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
મહાનુભાવોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની ઓળખ માત્ર તેની પરંપરા અને સંસ્કૃતિમાં જ નહીં, પરંતુ જંગલ, જમીન અને પ્રકૃતિ સાથેના સહજીવનમાં પણ સમાયેલી છે. તેથી વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમમાં ગામના પટેલ સંપતભાઈ સૂર્યવંશી, એકનાથભાઈ દળવી, ગામના અગ્રણીઓ, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઈ આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન સાથે પર્યાવરણ જતનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આમ, નડગચોંડ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરા, સંસ્કૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સમાન બની રહી હતી. એક તરફ આદિવાસી વારસાની ભવ્ય ઝલક જોવા મળી તો બીજી તરફ ૧૦૦૦ વૃક્ષોના વાવેતર દ્વારા પ્રકૃતિપ્રેમ અને સામૂહિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.



