શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ PIB
નવી દિલ્હી: દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારતના સંઘ લોક સેવા આયોગ (UPSC= યુનિયન પબ્લિક સર્વિસ કમીશન) અને અફઘાનિસ્તાનના સ્વતંત્ર નાગરિક સુધારા અને નાગરિક સેવા પંચ (આઇએઆરસીએસસી) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.
આ એમઓયુ આઇએઆરસીએસસી (iarcsc) અને યુપીએસસી (upsc) વચ્ચેના સંબંધોને ગાઢ બનાવશે. આ સમજૂતીકરાર ભરતીના ક્ષેત્રમાં બંને પક્ષોના અનુભવ અને કુશળતા વહેંચવાની સુવિધા આપશે.
એમઓયુ (mou)ની વિશિષ્ટ ખાસિયતો:
- લોક સેવા માટે પદોની ભરતી અને પસંદગી માટે, ખાસ કરીને યુપીએસસી અને આઇએઆરસીએસસીના આધુનિક અભિગમ પર અનુભવોનું આદાનપ્રદાન.
- માહિતી અને કુશળતાનું આદાનપ્રદાન, જેમાં પુસ્તકો, નિયમાવલી અને અન્ય દસ્તાવેજો સામેલ છે, જે ગોપનીય નથી.
- લેખિત પરીક્ષાઓની તૈયારીમાં અને કમ્પ્યુટર આધારિત ભરતીની પરીક્ષાઓ અને ઓનલાઇન પરીક્ષાઓ યોજવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી)ના ઉપયોગમાં કુશળતાની વહેંચણી.
- અરજીઓની ઝડપી ચકાસણી અને નિકાલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં અનુભવની વહેંચણી.
- પરીક્ષાની વ્યવસ્થામાં સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ પર અનુભવો અને કુશળતાની વહેંચણી.
- અધિકારીઓ માટે તાલીમી સત્રોનું આયોજન, જેમાં પક્ષોના સંબંધિત આદેશ દ્વારા સંબંધિત તમામ બાબતો પર પક્ષોના સચિવાલય/હેડક્વાર્ટર્સ સાથે ટૂંકા જોડાણો સામેલ છે.
- પ્રાપ્ત અધિકાર અંતર્ગત વિવિધ પદો પર ભરતી કરવામાં જુદી જુદી સરકાર સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ અને રીતો પર સ્વીકાર્ય પદ્ધતિઓના અનુભવની વહેંચણી.