શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ
વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતમા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે યોજાયેલા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમની સાથે સાથે..
ખુડવેલનો ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ બન્યો ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’.:
મહાકાય જર્મન ડોમ, અફાટ જનમેદની, ખુડવેલ જતા ચોતરફી માર્ગો ઉપર હજારો વાહનોનો કાફલો, અને વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પી. મહાનુભાવોની ચહલ પહલે ગ્રામવાસીઓમા જગાવ્યુ કુતુહલ.
સભા મંડપના પેટા સ્ટેજ ઉપરથી સ્થાનિક સંસ્કૃતિની ઝલક રજૂ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.
જડબેસલાક પોલિસ બંદોબસ્તની વચ્ચે યોજાયેલા ખુડવેલના કાર્યક્રમમા ઉપસ્થિત જનમેદનીમાંથી ‘મોદી સાહેબ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે’ તથા ‘જય જય શ્રી રામ’ અને ‘ભારત માતાકી જય’ ના જયઘોષ સાથે વારંવાર નારાઓ લાગતા રહ્યા હતા.
લાખોનો માનવ મહેરામણ, હજારો વાહનોનો કાફલો, પોલીસ અને પ્રશાસનના હજારો કર્મચારીઓની ફરજ નિયુક્તિ સાથે પ્રશાસને સુચારુ વ્યવસ્થાઓ જાળવવામા સફળતા મેળવી હતી.
દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લાઓ નવસારી, વલસાડ, સુરત, તાપી, અને ડાંગના લોકો માટે કલર કોડ મુજબ અલગ અલગ રૂટ અને પાર્કિંગ વ્યવસ્થાઓ, ક્લસ્ટર વાઇઝ બેઠક વ્યવસ્થા, કામચલાઉ શૌચાલયો અને પીવાના પાણીની વ્યવસ્થાઓ જાળવવામા તંત્રને સફળતા મળી હતી.
ખુડવેલની ચારેય દિશાઓમા માર્ગો ઉપર જ્યા નજર કરો ત્યા, વડાપ્રધાનશ્રીને આવકારતા હોર્ડિંગ્સ, અને બેનરો જોવા મળ્યા હતા.
ખુડવેલ ખાતે તૈયાર કરાયેલા હેલીપેડની આસપાસની ચહલ પહલ, અને હેલિકોપ્ટર જોવા માટે પણ ગ્રામીણજનોનો મેળાવડો જામ્યો હતો.
સભા મંડપમા જ્યા નજર કરો ત્યા હકડેઠઠ ઉમટેલી જનમેદનીમા માથે કેસરી ટોપી અને ગળામા કેસરી ખેસ પહેરેલા પ્રજાજનો ખૂબ જ ઉત્સાહભેર પોતાના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જોવા, અને સાંભળવા માટે તત્પર જણાઈ રહ્યા હતા.
ખુડવેલના કાર્યક્રમમા અનેક વિકાસલક્ષી દસ્તાવેજી ફિલ્મોના માધ્યમથી, લોકોએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી હતી.
ખુડવેલના કાર્યક્રમને જનજન સુધી પહોંચાડવા માટે ખુડવેલ પધારેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયાકર્મીઓ, તેમના કેમેરા સહિતના સાધનો, માઇક અને બૂમ, જીવંત પ્રસારણ માટે ગોઠવાયેલી ઓ.બી.વાન, અને લાઈવ કીટ જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવતા શસ્ત્ર સરંજામે પણ પ્રજાજનોમા કુતુહલ પેદા કર્યું હતુ.
વૈશ્વિક નેતા અને વિકાસ પુરુષ એવા વડાપ્રધાનશ્રીના હસ્તે એક જ સ્થળેથી લગભગ ત્રણ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ મળી રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, વડાપ્રધાનશ્રીના ચીંધેલા માર્ગે ચાલવા માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે તેમ જણાવ્યુ હતુ.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદિવાસી ક્ષેત્રોમા હાથ ધરાયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.
ડબલ એન્જીનની ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યોની ઝાંખી રજૂ કરતા મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ સાથે, સૌના વિકાસની વિભાવના સ્પષ્ટ કરી હતી.
‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે નેવના પાણીને મોભે ચઢાવવાની વડાપ્રધાનશ્રીની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે આજે ડુંગરાળ પ્રદેશોમા પણ, પાણી પહોંચાડવાનુ ભગીરથ કાર્ય કર્યું છે તેમ જણાવ્યુ હતુ. શ્રી પાટીલે કોરોનાની સ્વદેશી રસી સમયસર શોધીને ભારત સરકારે પ્રજાજનોને નવુ જીવન આપ્યુ છે તેમ જણાવ્યુ હતુ.
આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જનજનની સુખાકારીના હજારો કરોડોના વિકાસકામો માટે પધારેલા વડાપ્રધાનશ્રીના ઋણ સ્વીકાર માટે આજે દક્ષિણ ગુજરાતનો વિશાલ માનવ સાગર ખુડવેલ ખાતે ઉમટયો છે તેમ જણાવ્યુ હતુ.
ખુડવેલના કાર્યક્રમમા પૂર્વ આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા એ વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે હાથ ધરેલા સેંકડો કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
ગુજરાતને જળધર બનાવવાની નેમ વ્યક્ત કરતી સરકારના પ્રયાસોની જાણકારી સાથે, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે, સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ નિર્માણની દિશામા પ્રયાસરત સરકારના અભિગમનો પણ ખ્યાલ આપ્યો હતો.
કાર્યક્રમમા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, સહિત મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, ભાજપા અધ્યક્ષો, સહકારી અગ્રણીઓ વિગેરેએ વડાપ્રધાનશ્રીનુ અદકેરુ અભિવાદન કર્યુ હતુ.