
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા
ડાંગ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામા ‘સંકલ્પ સપ્તાહ’ ના આયોજન અંગેની બેઠક યોજાઈ:
આહવા: નીતિ આયોગના ‘એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારા ‘સંકલ્પ સપ્તાહ’ ના કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઈ.
જિલ્લા સેવા સદનના ખાતે આયોજિત બેઠકમાં હાથ ધરાયેલી ચર્ચા મુજબ, આગામી તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ નીતિ આયોગ દ્વારા, દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી “સંકલ્પ સપ્તાહ”ની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ તાલુકા સુબીરના ચુનંદા પદાધિકારીઓ/અધિકારી ભાગ લેવા માટે જશે.
‘સંકલ્પ સપ્તાહ’ અંતર્ગત સુબીર તાલુકામાં તા.૩જી ઓક્ટબરથી તા.૯મી ઓક્ટોબર સુધી આરોગ્ય, પોષણ, સ્વછતા, કૃષિ, શિક્ષણ, લાઈવલીહુડ જેવા વિવિધ વિભાગોના કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોમા વધુને વધુ લોકો સહભાગી થાય તેવા પ્રયાસો હાથ ધરવાની કલેકટર શ્રી મહેશ પટેલે હિમાયત કરી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.બી.તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.
જિલ્લા આયોજન અધિકારીશ્રી તથા તેમની ટિમે, સમગ્ર કાર્યક્રમની સૂક્ષ્મ વિગતો રજૂ કરી, સંબંધિત વિભાગોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.