
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કણઝા ગામે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આદિમજૂથના બહેનો માટે વાંસકામ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી.
પરંપરાગત વાંસકામ કરતા આદિમજૂથના પરિવારો વાંસકામની તાલીમથી સજ્જ બને તો તેમની આવકમાં વૃધ્ધિ થશે તેમજ વાંસકલાનું તેમનું કૌશલ્ય આકર્ષક બની રહેશે.: – જિલ્લા વિકાસ અધિકારી તાપી
વ્યારા: તાપી જિલ્લામાં વસતા આદિમજૂથના પરિવારો વાંસકામ કરીને પોતાની આજીવિકા મેળવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિમજૂથના કોટવાળિયા જાતિના લોકો સદીઓથી આ વાંસકામના વ્યવસાયમાં જોડાયેલા છે. જંગલોમાં થતા વાંસમાંથી જીવન જરૂરી ચીજવસ્તુઓ બનાવવી અને તે વેચીને ગુજરાન ચલાવવું આ જ માત્ર વ્યવસાય અપનાવીએ આ કોટવાળિયા લોકો પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. તાપી જિલ્લામાં મહત્તમ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબ આદિમજૂથના આ લોકો વાંસમાંથી ટોપલા, ટોપલી, છાબલી, સુપડુ, અનાજ ભરવાના પાલા, પશુઓને મોં પર બાંધવાના ગોળવા તેમજ કાચા મકાનો માટે ખપાટીયા (ભીંત) બનાવવાનુ કામ કરે છે.
આદિમજૂથના લોકો માટે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો ચાલે છે. આજે કણઝા ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાના વરદ્ હસ્તે તાપી જિલ્લાના આદિમજૂથના લોકો માટે વાંસમાંથી આધુનિક ચીજ-વસ્તુઓની બનાવટ માટે વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે પરંપરાઓની સાથે સાથે વાંસમાંથી મૂલ્યવર્ધક આકર્ષક ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે તો આદિમજૂથના પરિવારોની આવકમાં વૃધ્ધિ થાય અને તેમની આર્થિક પરિસ્થિતિમાં ઘણોં સુધારો થઇ શકે છે. તાપી જિલ્લામાં વસતા આદિમજૂથના લોકોના આ વ્યવસાયને વેગ આપવો ખૂબ જરૂરી છે.બીજુ ખાસ કરીને કોટવાળિયા જાતિ સિવાય બીજા કોઈ લોકો આ વ્યવસાય કરતા નથી. ત્યારે કોટવાળિયા જાતિના આ હુન્નરને વેગ મળે એ અત્યંત જરૂરી છે.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પુરસ્કૃત ગુજરાત લાઈવ્લીહુડ પ્રમોશન કું.લી દ્વારા તેમજ વનવિભાગ અને ગ્રામપંચાયતોને સાથે રાખી સખીમંડળોના માધ્યમથી વાંસકામને ઉત્તેજન મળે તેમજ કોટવાળિયા લોકો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ બીડુ ઝડપ્યું છે. હાલમાં યોગ્ય વ્યવસ્થાને અભાવે વાંસ સરળતાથી મળતા નથી અને આદિમજૂથના લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે વનવિસ્તારમાં આવેલા ગામોમાં થતા વાંસને સખીમંડળો દ્વારા ખરીદવામાં આવે અને આદિમજૂથના આ લોકોને પુરવઠો મળી રહે તે માટેની વ્યવસ્થા જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. વનવિભાગ દ્વારા રાહત દરે વાંસના એક નંગના રૂા.૧૦૦ ના ભાવ નક્કી કરાયો છે. તે મુજબ પુરતા વાંસ મળી રહે તે માટે સખીમંડળો સાથે પરામર્શ કરી ગામના સરપંચ,તલાટી અને સ્વસહાય જૂથોની સમિતિ બનાવી સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કણજા ગામે ૭૦ જેટલા આદિમજૂથના પરિવારો રહે છે. આ લોકોને પરંપરાગત બનાવટની ચીજ-વસ્તુઓમાંથી પુરતા નાણાં મળતા નથી. જ્યારે હાલમાં બજારની માંગ અનુસાર વાંસની ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે તો તેમની આજીવિકામાં ચોક્કસ વૃધ્ધિ થશે. આવા ઉમદા વિચાર સાથે કણજા ગામે ૨૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લઇ વાંસમાંથી કૌશલ્ય વર્ધન તાલીમનો પ્રારંભ કર્યો હતો. જેમાં મૌઝાના તજજ્ઞ કોટવાળિયા વજીરભાઈએ બામ્બુ હેન્ડ ક્રાફ્ટ,વાંસના રમકડા,વોલપીસ,ખુરશી,ટેબલ,સોફા તેમજ સુશોભન માટેની આકર્ષક ચીજ-વસ્તુઓની તાલીમની શરૂઆત કરી છે. મૂલ્યવર્ધક તાલીમથી સજ્જ થઈ આદિમજૂથના પરિવારોનું જીવન-ધોરણ ચોક્કસ ઉંચુ આવશે. તાપી જિલ્લાના બીજા ગામોને પણ આવી તાલીમ આપી સુસજ્જ કરવામાં આવશે.
તાલીમના આ કાર્યક્રમમાં ગ્રામવિકાસ એજન્સીના ડી.એલ.એમ.પંકજભાઈ પાટીદાર, ટી.એલ.એમ.હેમંતભાઈ પરમાર, સંદિપભાઈ ચૌધરી, સરપંચ સુનિલભાઈ ચૌધરી સહિત કણઝા ગામના આદિમજૂથના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.