વિશેષ મુલાકાત

સરકારની કૌશલ્ય તાલીમથી સાગબારા તાલુકાના મોટીપરોડી ગામની ગીતા વસાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર

સરકારની કૌશલ્ય તાલીમથી સાગબારા તાલુકાના મોટી પરોડી ગામની ગીતા વસાવાની માટીના ચૂલાથી શહેરના પીઝા પાર્લર સુધીની સંઘર્ષમયી પ્રેરકગાથા: 

દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ રીટેઇલના કોર્ષમાં તાલીમબધ્ધ થઇને વડોદરામાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં માસિક રૂા. ૬૫૦૦/- ના પગારથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા આજે બારડોલીમાં મેનેજરનું પદ શોભાવી માસિક રૂા. ૨૩૦૦૦/- નો પગાર મેળવે છે.

અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગ્રામીણ ભાઇ-બહેનોને તેમનુ ભાવિ ઉજ્જવળ બનાવવાનો રાહ ચીંધતી મોટી પરોડી ગામની ગીતા વસાવા

નર્મદા, રાજપીપળા  :- શું આપણે કલ્પના કરી શકીએ કે, આદિવાસી વિસ્તારમાં ખેતીકામ કરતી કોઇ યુવતી શહેરના પીઝા પાર્લરમાં ગ્રાહકોને પીઝા પીરસવાનું (સર્વ) કરવાનું કામ કરતી હોય ? તેનો ઉત્તર છે હા. આજના યુવા વર્ગે આવી કલ્પના અચૂક કરવી જોઇએ અને તેને સાકાર કરવાની દિશામાં મનોમંથન સાથે જો નિષ્ઠાપુર્વક પ્રયાસ કરાય તો તેમાં ચોક્કસ સફળતા મેળવવામાં આજનો યુવાવર્ગ ક્યારેય પીછેહઠ નહિ કરે. નર્મદા જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારના સાગબારા તાલુકાના મોટી પરોડી ગામની ગીતા વસાવાની સંઘર્ષ સાથેની અહીં વાત કરવી છે કે, જેણે રોજગારીની સાથે શ્રેષ્ઠ કારકિર્દી માટે સેવેલા આવા જ સ્વપ્નને ખરેખર સાચા અર્થમાં સાકાર કરીને તેને આજે હકીકતનું રૂપ આપ્યુ છે.

સાગબારાની તાલુકાના મોટી પરોડી ગામની ગીતા ક્રૃષ્ણાભાઇ વસાવા કહે છે કે પોતે બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવાની સાથે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સૂક હતી. પરંતુ ગીતાના માતા-પિતા તેને આગળ ભણાવવા તૈયાર ન હોતા. માતા-પિતાની મરજી વિરૂધ્ધ અડગ મનની ગીતા કહે છે કે મેં જીદ કરીને દીન દયાલ ગ્રામીણ કૌશલ્ય યોજના અંગેની છાપામાં આવેલી જાહેરાત વાંચીને જે તે સમયે સાગબારામાં ચાલતા તાલીમ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને ઉકત કેન્દ્રમાંથી તાલીમ અંગેની જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યા બાદ પૂરતી ધગશ સાથે રીટેઇલના કોર્ષમાં જોડાઇ હતી. આમ, આ કોર્ષમાં કૌશલ્યની સજજતા કેળવીને કાચા માટીના ઘરમાં ચૂલા પર ચા બનાવતી ગીતા રાત દિવસ માનવ કિડીયારીઓથી સતત ઉભરાતા વડોદરા જેવા શહેરના વાસણા વિસ્તારમાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં ૨૦૧૬ ના વર્ષમાં શરૂઆતમાં માસિક રૂા. ૬૫૦૦/- ના પગારથી પીઝા પીરસવાનું (સર્વ) કરવાની નોકરીમાં જોડાઇ હતી. ગીતા કહે છે કે ક્રમશઃ રૂા. ૭૫૦૦/- અને છેલ્લે રૂા. ૮૫૦૦/- ના માસિક પગાર વધારાની સાથે તેમની કંપની દ્રારા મેનેજરની જગ્યા માટે લેવાયેલી કસોટીમાં ગીતાએ સફળતા હાંસલ કરતા એપ્રિલ-૨૦૧૯ થી સુરત ખાતેના ડોમીનો પીઝા પાર્લરમાં માસિક રૂા. ૨૨૦૦૦/- ના પગારમાં મેનેજરની જગ્યાએ બઢતી મેળવી હતી. ત્યારબાદ ગત ઓકટોબર-૨૦૧૯ માં બારડોલી ખાતે ગીતાની બદલી થતાં ગીતા આજે બારડોલીમાં ઇન્સેન્ટીવ સાથે માસિક રૂા. ૨૩૦૦૦/- હજાર જેટલો પગાર મેળવી રહી છે.

ગીતા વસાવા જણાવે છે કે, તેણીની વધુ ઉચ્ચ અભ્યાસની ધગશને લીધે વડોદરા ખાતેની તેની નોકરીની સાથોસાથ ભાવનગરની કોલેજમાંથી સમાજ સેવા ક્ષેત્રની MSW ના અભ્યાસક્રમમાં એક્ષટર્નલ સ્ટુડન્ટ તરીકે MSW ની પરીક્ષા પણ ઉતીર્ણ કરી છે. ગીતા આટલેથી અટકતી નથી અને હજી પણ એમ.એ.ના અભ્યાસમાં જોડાવાની તીવ્ર ઇચ્છા વ્યકત કરતા જણાવે છે કે ચાલુ વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થયેથી તેમાં પ્રવેશ મેળવશે.

સામાન્ય આવડતને અસાધારણ કૌશલ્યમાં પરિવર્તિત કરનાર ગીતાએ આદિવાસી સમાજની દિકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયુ છે. શરૂઆતમાં ગીતાને વધુ ભણાવવા માંગતા ન હતા તેવા ગીતાના માતા પિતા આજે ગીતાની આ કારકિર્દીથી ખુબ જ ખુશ અને પ્રસન્ન છે, ત્યારે ઓછું ભણેલા હોય અથવા અભ્યાસ ન કર્યો હોય તેવા તમામ ગ્રામીણ ભાઇ-બહેનોને પ્રેરક દિશા ચિંધતા ગીતા કહે છે કે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના થકી સૌ કોઇ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.

ગ્રામીણ ક્ષેત્રે વસવાટ કરતાં યુવાવર્ગને સરકારશ્રીની આવી યોજનાઓ થકી ચોક્કસ પ્રકારની તાલીમ અને વ્યવસાય થકી રોજગારની ઉપલબ્ધિ માટે અનેક યુવાધનને આધુનિક સમયમાં પોતાના ભાવિ તરફ લક્ષ્ય સેવતા કર્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है