શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી જિલ્લાના નિર્ધારિત લક્ષ્યાંક- સિધ્ધી સાથે સર્વાંગી વિકાસ કૂચમાં અગ્રેસર રહીને નર્મદા જિલ્લો રાજયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે દિશામાં કટિબધ્ધ થવા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાનો અનુરોધ:
છેવાડાના પ્રત્યેક માનવી સુધી યોજનાઓના લાભો પહોંચવાની સાથે પ્રજાકીય ફાયદો થાય તે દિશામાં શ્રેષ્ઠતમ પ્રયાસો થકી લોકોની સુખાકારી વધે તેવા સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરતાં શ્રી વસાવા :
રાજપીપલા : ભરૂચના સંસદસભ્યશ્રી તથા નર્મદા જિલ્લાકક્ષાની દિશા / વિજીલન્સ અને મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાએ આંકાક્ષી-મહત્વાકાંક્ષી જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં નર્મદા જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી જિલ્લાના નિર્ધારિત લક્ષ્યાંકની શત-પ્રતિશત સિધ્ધી સાથે સર્વાંગી વિકાસકૂચમાં અગ્રેસર રહીને નર્મદા જિલ્લો રાજયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે દિશામાં સામૂહિક પ્રયાસો સાથે કટિબધ્ધ થવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.
નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડીંડોર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શારદાબેન તડવી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત પદાધિકારીશ્રીઓ-અમલીકરણ અધિકારીશ્રીઓ, સમિતિના સભ્યશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા / વિજીલન્સ મોનીટરીંગ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ સરકારશ્રીની યોજનાઓના લાભો લક્ષિત વ્યકિતઓ-જૂથો સહિત છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાની સાથે પ્રજાકીય ફાયદો થાય તે દિશામાં શ્રેષ્ઠત્તમ પ્રયાસો થકી લોકોની સુખાકારી વધે તેવા સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
બેઠકને સંબોધતા શ્રી મનસુખભાઇ વસાવાએ આકાંક્ષી-મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં રહેલી વ્યાપક-વિપુલ તકોનો ઉલ્લેખ કરીને હજી પણ જિલ્લામાં પ્રવાસન, ઇકો-ટુરીઝમ, યાત્રાધામ ધાર્મિક-ઐતિહાસિક સ્થળો વગેરેમાં પ્રવાસી-યાત્રાળુઓની માળખાગત સુવિધાઓ વિકસાવવા ઉપરાંત વિશ્વના પ્રવાસન નકશામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાન અંકિત કરીને વિશ્વની આઠમી અજાયબી તરીકે નામના મેળવી છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા શહેરનો પણ સર્વાંગી વિકાસ થવાની સાથે સ્વચ્છ, સુંદર અને આકર્ષક શહેર તરીકેની પ્રતિભા ઉપસે અને પ્રવાસીઓ માટે પણ આ શહેર- જિલ્લાની મુલાકાત એક અવિસ્મરણીય સંભારણું બની રહે તેવું સુચારૂ આયોજન-અમલીકરણ થાય તે જોવા તેમણે આહવાન કર્યુ હતું.
શ્રી મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ તમામ પ્રકારના વિકાસ કામો ગુણવત્તાયુકત થાયતે જોવાની ખાસ કાળજી રાખવાનો ભારપૂર્વક અનુરોધ કરી તેમણે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ, વોટરશેડ, મધ્યાહન ભોજન, અન્ન-નાગરિક પુરવઠા, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, પાણીપુરવઠા, વાસ્મો, DILR, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, કૃષિ, બાગાયત-પશુપાલન સહકાર, રોજગાર, આઇ.ટી.આઇ., ટ્રાયબલ સબપ્લાન, આદિજાતી પછાત આશ્રમ શાળા, વિજ સુવિધા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, નગરપાલિકા વિસ્તાર વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને જે તે યોજનાકીય લક્ષ્યાંક પૂર્તિમાં ખૂટતી કડીઓમાં પૂરક બનવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયુ હતું.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ “ટીમ નર્મદા” ના વડા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લાના પ્રશ્નોના હકાત્મક ઉકેલની સાથે તેના સર્વાંગી વિકાસમાં આપેલ યોગદાનની પણ વિશેષ નોંધ લઇ તેમની કામગીરીને બિરદાવી હતી.