શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાભવણ પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ પ્રજાકીય આરોગ્યલક્ષી સેવાઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા;
કોવિડ-૧૯ વેક્શીનેશન સેન્ટરમાં રસીકરણના લાભાર્થીઓ સાથે શ્રીમતી વસાવાનો સીધો સંવાદ : ગ્રામજનોને પણ રસીકરણ માટે કરાયાં સમજૂત;
સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અગ્રતાક્રમમાં આવરી લેવાયેલ તમામને અપાયેલ પ્રિવીલેજ મુજબ કોરોના વિરોધી રસીનો અચૂક લાભ લઇ પોતે સુરક્ષિત રહેવાની સાથે સંપર્કમાં આવનારને પણ સુરક્ષિત રાખવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની હદયસ્પર્શી અપીલ;
રાજપીપલા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન એલ. વસાવાએ પ્રર્વતમાન વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લામાં હાલમાં આરોગ્યતંત્ર દ્વારા ૨૦૧ જેટલા વેક્સીનેશન કેન્દ્રો ખાતે હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર, ૪૫ થી ૫૯ વર્ષની વયના ગંભીર બિમારીવાળા કોં-મોર્બિડ દરદીઓ તેમજ ૬૦ વર્ષથી વધુની વયના સીનીયર સીટીઝન્સને કોરોના વિરોધી વેક્શીન આપવાની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ તાજેતરમાં દેડિયાપાડા તાલુકાના ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાભવણના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આ આરોગ્ય કેન્દ્ર દ્વારા થઇ રહેલી પ્રજાકીય આરોગ્યલક્ષી-સુખાકારીની પ્રવૃત્તિઓ-સેવાઓ અંગે ફરજ પરના તબીબી અધિકારીઓ પાસેથી ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણનો ડોઝ લેવા પધારેલ લાભાર્થીઓ સાથે પણ તેમને સીધો સંવાદ કરી આરોગ્ય વિષયક પૃચ્છા કરી તેમના ખબર-અંતર પૂછ્યાં હતાં.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ ભારપૂર્વક અનુરોધ કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારની કોવિડ-૧૯ રસીકરણની માર્ગદર્શિકા મુજબ અપાયેલ અગ્રતાક્રમ મુજબના લાભાર્થીઓને કોરોના વિરોધી રસીના ડોઝ માટે અપાયેલા પ્રિવીલેજનો સંબંધિતોએ અચૂક લાભ લઇને પોતે જાતે સુરક્ષિત થવાની સાથોસાથ તેમના સંપર્કમાં આવનાર લોકોને પણ કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખી શકશે. આ રસી ખૂબજ ફાયદાકારક છે અને તેનાથી કોઇ આડઅસર થતી નથી. કોવિડ-૧૯ વેક્શીનેશનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, વારંવાર હાથ ધોવા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા પણ તેમણે હદયસ્પર્શી અપીલ કરી છે.