શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરીય દેખરેખ અને સમીક્ષા સમિતિની બેઠક યોજાઇ;
નાંદોદ અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રીઓએ જિલ્લામાં બાળકોના પોષણ સ્તરમાં વધુ સુધારા માટે સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને કરેલા રચનાત્મક સૂચનો;
મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસમાં બાળપણ દરમિયાન તેનું સ્વાસ્થ્ય કેવું રહ્યું હતુ, તે બાબત સવિશેષ મહત્વ ધરાવે છે. જેની અગત્યતા સમજી રાજ્ય સરકારે બાળકોમાં કુપોષણને દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની અધ્યક્ષતામાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં કલેક્ટરાલય ખાતે પોષણ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અને આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરી અંગેની જિલ્લા સ્તરની દેખરેખ અને સમીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ બાળકોમાં ન્યુટ્રીશન, બાળકોની પદ્ધતિસરની સારસંભાળ, આઈ.સી.ડી.એસ. કાર્યક્રમની પ્રગતિ બાબત, પોષણ ટ્રેકર એપ્લિકેશન તેમજ પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન એક્શન પ્લાન સહિત પૂરક પોષણ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધતા અંગેની સમીક્ષા કરી પોષણ અભિયાનની આયોજનબદ્ધ રીતે બાકી રહેલી કામગીરીને ત્વરિત અસરથી પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા.
આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે નાંદોદ અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત બેઠકમાં ઉપસ્થિત સબંધિત અધિકારીશ્રીઓ સમક્ષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આઈ.સી.ડી.એસ. કાર્યક્રમની જિલ્લામાં થઇ રહેલી પ્રગતિની તલસ્પર્શી માહિતીથી અગવત કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ધારાસભ્યશ્રીઓએ પણ આઈ.સી.ડી.એસ. અંતર્ગત બાળકો માટે જરૂરી પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય વિષયક બાબતો પર ભાર મુકી સબંધિત અધિકારીઓને કેટલાંક જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ હેઠળ આવરી લીધેલા લાભાર્થીઓની સમીક્ષા, ૦ માસથી ૩૬ માસના બાળકો, ૩ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને ઉપલબ્ધ કરાવેલા પૂરક પોષણના લાભો અને તેની ફાળવણી, આંગણવાડી, ટી.એચ.આર. વિતરણ સહિત બાળકોમાં ઉંચાઈના પ્રમાણમાં વજન અને ઉંમર પ્રમાણે વજન અંગે બાળકોની પોષણ સ્થિતિની વિગતો પણ પુરી પડાઇ હતી.
જિલ્લા સ્તરની દેખરેખ અને સમીક્ષા સમિતિની ઉક્ત બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, દેડીયાપાડા ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢક, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મનરેગા યોજનાના પ્રતિનિધિશ્રીઓ સહિત જિલ્લા અને તાલુકાના સબંધિત અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા