વિશેષ મુલાકાત

નર્મદા જિલ્લામાં પોઇચા નિલકંઠધામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક દ્વિદિવસીય “વિચાર ગોષ્ઠિ” નો રાજ્યપાલ શ્રી કરાવ્યો પ્રારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

– પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ઈશ્વરીય કાર્ય : રાજ્યમાં તેનો વ્યાપ વધારીએ :      રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી

– દરેક જિલ્લાના એક ગામને પ્રાકૃતિક કૃષિ આદર્શ ગ્રામ તરીકે વિકસાવવામાં આવશે:

– આગામી વર્ષે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર બે લાખ દેશી ઓલાદની ગાયો ખેડૂતો ને આપશે, રાજ્યપાલશ્રી એ વિવિધ આયોજનોની આપી વિગતવાર જાણકારી:

રાજપીપલા:- ગાય માતા પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે તેવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સુસંગત ઈશ્વરીય કાર્ય છે તેમણે ગુજરાતના ખેડૂતો આ બંને આયામો સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાય એવો અનુરોધ કરતા કહ્યું કે, તેનાથી સમાજને વ્યાપક લાભો થશે. તેમણે પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને રાજ્યમાં જન અભિયાન બનાવવાની હિમાયત કરવાની સાથે રાજ્ય સરકારના આ બંને બાબતોને પ્રોત્સાહિત કરતા અભિગમ માટે મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા.

પ.પૂ.સંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીજીના આશિર્વાદથી અને સંતશ્રી કૈવલ સ્વામીજી, શ્રીજી ચરણ સ્વામીજી, ચૈતન્ય સ્વરૂપ સ્વામીજી, મુખ્ય સંયોજક પ્રફુલભાઇ સેજલિયા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સંયોજકશ્રીઓ-સહસંયોજકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા નિલકંઠધામ ખાતે આજથી યોજાયેલી દ્વિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક “વિચાર ગોષ્ઠિ” ને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહ-સંયોજક અને કન્વિનરોની “વિચાર ગોષ્ઠિ” નો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત સરકારે ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા ગયા વર્ષે ૧.૦૫ લાખ ખેડૂત લાભાર્થીઓને દેશી ઓલાદની ગાયો આપી તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી વર્ષમાં બે લાખ ખેડૂતોને દેશી ઓલાદની ગાયો આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.તેની સાથે મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના આયોજન હેઠળ દેશી ગાય પાલક ખેડૂતોને મહિને રૂ.૯૦૦/- નો નિભાવ ખર્ચ આપવાની યોજના પણ આ અભિયાનને વેગ આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આગામી વર્ષમાં ૨ લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તેમ જણાવી વડાપ્રધાનશ્રીના આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ છે અને ગુજરાત સમગ્ર દેશ માટે આ દિશામાં અગ્રેસર રહેશે તેવી પ્રતિબધ્ધતા પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.

ખેડૂત કલ્યાણની તડપ, પર્યાવરણની રક્ષા, ગૌમાતા સંરક્ષણ, પ્રાકૃતિક ખેતીથી ભારતવર્ષની ભૂમિને ઝેરથી મુક્ત કરવા, જળસંચય, પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને સામુહિક જનસુખાકારીની સાથોસાથ ધરતીપુત્રોને સમૃધ્ધ અને સુખી જોવા માંગતા લોકોની અહીંની ઉપસ્થિતિથી પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ એક ઇશ્વરીય કાર્ય છે. ઇશ્વર સમગ્ર જીવસૃષ્ટિનાં પાલક અને રક્ષક છે. પરમાત્માની વ્યવસ્થામાં સહયોગી બનતી વ્યક્તિ અને ભક્તોથીજ ઇશ્વર પ્રસન્ન થાય છે. પરમાત્મા ખુદ ન્યાયકારી છે, ત્યારે મનુષ્ય પણ દયાળુ અને પરોપકારી ભાવના સાથે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આવી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં જોડાવવાનું પણ તેમણે આહવાહન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના સહયોગથી પ્રત્યેક જિલ્લાના એક ગામને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મોડેલ વિલેજ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં આ વિષયને આવરી લેતો માર્ગદર્શક ખેડૂત સંવાદ યોજવાનું આયોજન છે. તેમણે સંકેત આપ્યો કે રાજ્ય સરકાર ગાય આધારિત કુદરતી ખેતીના ઉત્પાદનો માટે વળતરયુક્ત બજાર વ્યવસ્થા ગોઠવવાની દિશામાં પગલાં લઈ રહી છે અને રાજ્યની ઓર્ગેનિક યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી વિભાગ શરૂ કરવાની વિચારણા છે.

સમાજમાં સંતોનો જનજીવન પર વ્યાપક પ્રભાવ છે તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રી એ જણાવ્યું કે, સંત શક્તિ ગાય આધારિત કુદરતી ખેતી ને વિસ્તારવામાં પ્રેરક બને તે માટે સંત સંમેલન યોજવાની વિચારણા છે.

તેમણે જણાવ્યું કે ભારત પાસે ખૂબ વિશાળ અને વિવિધતાસભર દેશી બીજ સંપદા છે.આ સ્વદેશી બિયારણને કેવી રીતે સંરક્ષણ આપી શકાય અને એને ખેતીમાં પુનર્સ્થાપિત કરી શકાય એની ચર્ચા-વિચારણા માટે આગામી દિવસોમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક યોજવામાં આવી છે, જેમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી પણ જોડાશે.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા શ્રી ભીખાભાઇ સુતરીયા, શ્રી પ્રફુલભાઇ સેજલિયા, ડૉ. રમેશભાઇ સાવલિયા સહિત ગુજરાત જિલ્લાઓમાંથી સંયોજકશ્રી સહ-સંયોજકશ્રી, પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રારંભમાં ડૉ. રમેશભાઇ સાવલિયાએ તેમના સ્વાગત પ્રવચનમાં તેમણે સહુને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં મુખ્ય સંયોજકશ્રી પ્રફુલભાઇ સેજલિયાએ આભારદર્શન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है