શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભારે વરસાદથી અસરગ્રસ્ત નર્મદા જિલ્લાની સ્થિતીનો કયાસ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે રાજપીપળામાં બેઠક યોજી:
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ મેળવવા રાજપીપળાની મુલાકાત લઈ જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ – જિલ્લા પ્રસાશન સાથે મંગળવારે બપોર બાદ બેઠક યોજીને જિલ્લાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
તેમણે જિલ્લા પ્રસાશન દ્વારા થયેલી કામગીરી અને બચાવ રાહત માટે લેવાયેલા તાકીદના વિવિધ પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
માર્ગ અને મકાન મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી ઉપરાંત મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર પણ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદને લીધે પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોને જરૂરી સર્વેના આધારે રાજ્ય સરકાર દ્વારા ધારાધોરણ મુજબની તમામ પ્રકારની સહાય શક્ય તેટલી વહેલી ચૂકવાય તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જિલ્લા પ્રસાશનને આ દિશામાં ઝડપથી જરૂરી કાર્યવાહી માટેની પણ સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ડી.એ.શાહે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે જિલ્લાના વિવિધ ડેમો, પાછલા વર્ષોના વરસાદની માહિતીની – તુલનાત્મક વિગતો અને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની રૂપરેખા સાથે જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલ રાહત-બચાવની કામગીરી, NDRF અને SDRF ટીમની મદદથી ૨૫ વ્યક્તિઓના કરાયેલા સફળ રેસ્ક્યૂ ઓપરેશન ઉપરાંત જિલ્લામાં અંદાજે ૮૯૭૫ જેટલા વ્યક્તિઓના કરાયેલા સલામત સ્થળાંતર અંગેની વિગતોથી પણ મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા શહેર અને નર્મદા જિલ્લામાં લોકોનું જનજીવન ઝડપથી રાબેતા મુજબ અને પૂર્વવત બને તે દિશામાં રાજ્ય સરકાર તમામ પ્રકારે સહાયરૂપ થવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજપીપળા આવી પહોંચ્યા બાદ હેલિપેડ નજીકના કરજણ ઓવારા વિસ્તારમાં ભારે વરસાદથી કેળના પાકને થયેલ નુકશાનીનું જાત નિરીક્ષણ કરી તંત્ર પાસેથી જાણકારી મેળવી હતી.
ત્યારબાદ લીમડાચોક ખાતે ભારે વરસાદથી અસર પામેલ અસરગ્રસ્તોની મુલાકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો. તદ્ઉપરાંત ગઇકાલે પાણીના પ્રવાહમાં તણાઇ ગયેલા મૃતક શ્રી સંજયભાઇ રમેશભાઇ માછી અને સુશ્રી દિક્ષિતા જયંતિભાઇ માછીના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ મુખ્યમંત્રીશ્રીએ સાંત્વના પાઠવીને દિલસોજી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજપીપળા કલેક્ટરાલય ખાતે આવીને કરજણ ઓવારા સ્મશાન વિસ્તાર અને હેલિપેડ વિસ્તારના રેસ્ક્યુ કરાયેલા સમૂહજૂથ સાથે સંવાદ કર્યો હતો. આ અસરગ્રસ્ત લોકોએ તેમના બચાવ માટેના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં સહાયરૂપ બનેલા NDRF અને SDRF ના જવાનો સાથે મુખ્યમંત્રીશ્રીએ વાર્તાલાપ કરી આ સાહસભર્યા સફળ ઓપરેશનને બિરદાવીને તેમને અભિનંદન આપ્યાં હતાં.
ભરૂચના સંસદસભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રી નીલભાઇ રાવ, પૂર્વમંત્રી શ્રી શબ્દશરણભાઇ તડવી, વડોદરા રેન્જ આઇ.જી. એસ.એમ.ભરાડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિત જિલ્લાના વિભાગીય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.