
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
“ગામે ગામ રસીકરણ, વેક્સિનેસન કરાવો અને કોરોનાને ભગાઓ”:
તાપી જિલ્લામાં આજે કોરોના પ્રતિરોધક મહારસીકરણ અભિયાન નો આરંભ:
તાપી જિલ્લામાં ૩૦૩ વેક્સિન સાઇટ ઉપર માઈક્રો પ્લાનિંગ હેઠળ ૩૩ હજાર કરતા વધારે નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે,
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંભવિત કોરોનાની થર્ડ વેવને અટકાવવાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી,
કલેકટર/ડીડીઓ દ્વારા જિલ્લાના નાગરિકોને મહારસીકરણ અભિયાનમાં જોડાવવા અપીલ:
વ્યારા-તાપી: કોરોના સામેના જંગમાં વેક્સિન એ અમોઘ શસ્ત્ર છે. આ શસ્ત્ર કોરોના જેવી ગંભીર મહામારી સામેના રક્ષણ માટે સુરક્ષા કવચ બની રહે તથા કોરોનાની સંભવિત થર્ડ વેવને અટકાવવાની તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં કોરોના પ્રતિરોધક મહારસીકરણ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં આ મહાઅભિયાન સંદર્ભે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાન અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કોરોનાની સંભવિત થર્ડ વેવને અટકાવવાની તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જિલ્લાના તમામ વિભાગો, શિક્ષકો, તલાટીઓ, સીડીપીઓ, આંગણવાડી/આશા વર્કરો મળી ૧૮૦૦થી વધુ અધિકારી/કર્મચારીઓ આ અભિયાનમાં સેવા આપશે.
જીલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ્ય સ્થળોથી લઇ તાલુકા અને જિલ્લા કક્ષાએ કોરોના વેક્સીનેશન કાર્યક્રમનું માઇક્રો પ્લાનીંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં આશરે ૩૩ હજારથી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. આ સ્થળો ખાતે પ્રથમ ડોઝના લાભાર્થી તથા બીજા ડોઝ ડ્યુ લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવશે. આ તમામ રસીકરણ બુથ ઉપર સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૮.૦૦ કલાક સુધી ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ મહામારી અટકાયતી પગલાંના ભાગરૂપે કોવિડ વેક્સિનેશન મહા અભિયાન તા.૧૬-૦૧ ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ, જેમાં તબક્કા વાઈઝ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર, ૬૦+ ઉંમરના વ્યક્તિઓ, ૪૫+ થી ૬૦ વર્ષના વ્યક્તિઓ તથા ૧૮ થી ૪૪ વર્ષના વ્યક્તિઓને કોવિડ વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહેલ છે. કોવિડની સંભવિત થર્ડ વેવ અનુસંધાને કોવિડ વિરોધી રસી એ જ એકમાત્ર ઉપાય છે અને તમામ લાભાર્થીઓએ કોવિડની રસીના બંને ડોઝ લેવા અનિવાર્ય છે.
તાપી જિલ્લા વહિવતી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, આપના કુટુંબ, ફળિયા, ગામના ૧૮ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ કોવિડ રસીકરણમાં ભાગીદાર બને અને અન્ય લાભાર્થીઓને પણ વેક્સિન લેવા પ્રોત્સાહિત કરી “ગામે ગામ રસીકરણ, વેક્સિનેસન કરાવો અને કોરોનાને ભગાઓ”.