શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ટ્રેકટર ડ્રાઈવિંગ તાલીમ દ્વારા બહેનો આત્મનિર્ભર બનાવવાની પહેલ રાજ્યમાં સૌ પ્રથમ તાપી જિલ્લા દ્વારા કરવામાં આવી:-જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા
“તાલીમ બાદ હુ જાતે પણ આ દિશામાં આગળ વધીને પરિવારને મદદરૂપ બનવાની ઇચ્છા છે” -તાલીમાર્થી પ્રિતી ચૌધરી
તાપી જિલ્લાની ૭૫ આદિવાસી મહિલાઓ માટે ‘ટ્રેકટર ડ્રાઇવિંગ’ તાલીમનું આયોજન કરવામાં આવ્યું:
વ્યારા-તાપી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને લાખાણી ટ્રેકટર્સ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના સંયુકત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે તાપી જિલ્લાની આદિવાસી મહિલાઓ માટે પાંચ દિવસીય ‘ટ્રેકટર ડ્રાઇવિંગ’ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતી યાંત્રિકીકરણ થકી ‘મહિલા સશક્તિકરણ’ થાય તેવા ઉમદા આશય સાથે આયોજીત તાલીમમાં વિવિધ ગામોની કુલ ૭૫ આદિવાસી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, ગામમા નાના અને સિમાંત ખેડુતોને ટ્રેક્ટર અને વિવિધ સંસાધનોની જરૂરીયાત રહેતી હોય છે જેના માટે દરેક તાલુકામાં એક-એક કૃષિ એગ્રો બિઝનેશ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે જેનુ સંપૂર્ણ સંચાલન આ તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવશે. જેનાથી બહેનો આર્થિક ઉપાર્જન કરશે. અલગ અલગ વિભાગો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, આત્મા પ્રોજેકટના સમન્વયથી બહેનોની સુરક્ષા, સન્માન, સ્વરોજગારી અને સ્વાસ્થ્ય અંગે સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે. તેમણે ટ્રેકટર ડ્રાઈવિંગ તાલીમ દ્વારા બહેનો આત્મનિર્ભર બનાવવાની પહેલ રાજ્યમાં સૌ પ્રથમ તાપી જિલ્લા દ્વારા કરવામાં આવી છે. એમ જણાવી તાપી જિલ્લાની બહેનો ખુબ જ હોશિયાર છે અને તેઓ ઝડપથી તમામ કૌશલ્યો મેળવી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોટરવા ગામના તાલીમાર્થી બહેન પ્રિતી ચૌધરી એ આ અંગે પોતાના પ્રતિભાવો રજુ કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ ટ્રેકટર ડ્રાઈવિંગ તાલીમ અંગે માહિતી મળતા હું આ તાલીમમાં જોડાઇ છું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે આજે મને આ તાલીમનો લાભ મળ્યો છે. તાલીમ બાદ હુ જાતે પણ આ દિશામાં આગળ વધીને પરિવારને મદદરૂપ બનુ એવો આશય છે. વધુમાં તેમણે આવી ઉમદા પહેલ શરૂ કરવા માટે જિલ્લા વહિવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા, આત્મા ડયરેક્ટર પી.આર.ચૌધરી, એ.આર.ટી.ઓ દિનેશ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષભાઇ ગામીત, કૃષિ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડયા, પ્રો. આરતી એન. સોની, પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.કે.એન.રણા, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના ડીલર આરીફ લાખાણી, અન્ય અધિકારી/કર્મચારીઓ અને તાલીમાર્થી મહિલાઓ સામાજીક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા. તાલીમને સફળ બનાવવા માટે કેવીકેના વૈજ્ઞાનિકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.