વિશેષ મુલાકાત

ઓર્ગેનિક ફૂડની વૈશ્વિક માંગને પૂરી કરવા ભારતના ખેડૂતો સક્ષમ:-કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ગુજરાત (કચ્છ) 

ઓર્ગેનિક ફૂડની વૈશ્વિક માંગને પૂરી કરવા ભારતના કિસાનો સક્ષમ: કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરશોતમ રૂપાલા:

ભુજમાં ‘ગ્લોબલ કચ્છ’ કાર્યક્રમમાં વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે ‘રણથી વન’ હેઠળ FOPનો કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રારંભ:

જળ સંચય અને પ્રાકૃતિક ખેતી માટે કચ્છના ૩૦૦ ગામડાઓમાં બ્રહ્માકુમારી દ્વારા ‘આત્મનિર્ભર કિસાન યાત્રા’ના અભિયાનને વિદાય અપાઈ:

લોકભાગીદારીથી ગ્રામીણ વિકાસને ગતિ આપવાના ચળવળકાર મયંક ગાંધીના સફળ પ્રયોગને પગલે હવે ગ્લોબલ કચ્છ કાર્યક્રમ તળે કચ્છ જિલ્લામાં ગ્રામીણ વિકાસને વેગ આપવા શરૂ કરાયેલ પ્રયાસોમાં વતન પ્રેમી કચ્છી દાતાઓની દિલેરીને બિરદાવતાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરશોતમ રૂપાલાએ ગ્રામીણ વિકાસ અર્થે  કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહયોગ આપવાની ખાત્રી ઉચ્ચારી હતી. ઓર્ગેનિક ફૂડની વૈશ્વિક માંગને પૂરી કરવા ભારતના કિસાનો સક્ષમ હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું હતું કે આજે ડ્રિપ ઈરિગેશન દ્વારા થતી ખેતીમાં કચ્છ આગળ પડતું સ્થાન ધરાવે છે. ત્યારે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક ફૂડની જરૂરિયાત પૂરી કરવાની તાકાત કચ્છના ખેડૂતોમાં છે. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કચ્છીઓનો પોતાનો મિજાજ, ઝિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની તાકાત છે, જેને અનુકૂળ હવે વાતાવરણ છે. પ્રધાનમંત્રીશ્રી તમામ લોક ઉપયોગી સરકારી યોજનાઓની સો ટકા અમલવારી માટે મક્કમ દિશામાં કામ કરી રહ્યા છે. ત્યારે સૌના સહયોગ થકી કચ્છમાં શરૂ થયેલા સર્વાંગી ગ્રામીણ વિકાસ અભિયાનને વેગ મળશે. 

કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જળસંચય ક્ષેત્રે શ્રી ઓધવજીભાઈ પટેલ અને સ્વામી સચ્ચિદાનંદજીના સેવાકાર્યને બિરદાવ્યું હતું. કચ્છના પ્રવેશ દ્વાર એવા સૂરજબારી પાસેના નાના રણમાં જયસુખભાઇ પટેલ દ્વારા થઈ રહેલા મીઠા સરોવરની રચના માટેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ગ્લોબલ કચ્છ દ્વારા થઈ રહેલ જળ સંચયની કામગીરીમાં સરકાર, સાંસદ, ધારાસભ્યો દ્વારા પૂરતી મદદ કરાશે એમ પણ કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું. અત્યારે યુનો એ આર્યુવેદિક ચિકિત્સાના દુનિયાના હેડક્વાર્ટર તરીકે જામનગરને પસંદ કર્યું છે તે દેશ માટે ગૌરવરૂપ છે એવું કહેતાં કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ કરાયેલ આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરવા બ્રહ્માકુમારીની બહેનો આત્મનિર્ભર ખેડૂત અભિયાન શરૂ કરી જનજાગૃતિ લાવી રહી છે તે અભિનંદનને પાત્ર છે. 

ગ્લોબલ કચ્છ અભિયાન અંતર્ગત મયંક ગાંધી, ગોવિંદભાઈ મંગે, વિશાલ ગડાએ જણાવ્યું હતું કે, ગામડાનો સંકલિત વિકાસ કરવા માટે ૬ મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યા છીએ. જેમાં (૧) જળ સંરક્ષણ – પાણીનો પુરવઠો અને માંગ (૨) માટીનું પુનર્જીવન – જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવું (૩) પશુપાલન- ગૌચર જમીનનો વિકાસ (૪) જૈવ વિવિધતા – નવા બાગાયતી પાકોનું વાવેતર (૫) વૃક્ષારોપણ ઝુંબેશ- સ્થાનિક ઉગી શકે એવા વૃક્ષોનું વાવેતર (૬) માર્કેટિંગ ક્લસ્ટર – કૃષિ ઉત્પાદનોનું માર્કેટિંગ, વતનપ્રેમી કચ્છી દાતાઓની મદદથી અત્યારે કચ્છના ૧૭ ગામડાઓમાં કામ શરૂ થઈ ગયું છે. જ્યારે ૧૦૭ ગામોનો સર્વે થઈ ગયો છે અને ધીરે ધીરે એમાં વધુને વધુ ગામોનો સમાવેશ કરવાનું ધ્યેય છે. કાર્યક્રમ દરમ્યાન વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે ‘રણથી વન’ કચ્છ એગ્રો ફોરેસ્ટ્રી ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન, ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો હતો. તેમ જ બ્રહ્માકુમારી દ્વારા જળ સંચય અને પ્રાકૃતિક ખેતી માટેની જાગૃતિ અર્થે  કચ્છના ૩૦૦ ગામડાઓમાં ફરનાર ‘આત્મનિર્ભર કિસાન યાત્રા’ને કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ લીલી ઝંડી આપી હતી. કાર્યક્રમમાં કચ્છના સામાજિક અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है