
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં આગામી ૨૭મી થી ત્રિ-દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે:
આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષનાં અંદાજીત ૬૦૬૨૪ – બાળકોને અપાશે પોલિયોના ડોઝ: ૫૪૭ બુથ, ૩૭ ટ્રાન્ઝીટ ટીમ, ૧૧ મેળા બજાર ટીમ, ૧૮ મોબાઈલ ટીમ, ૨૩૨૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનોની ટીમ તૈયાર
વ્યારા: તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગામી તા.૨૭ ફ્રેબુઆરી ૨૦૨૨ થી ત્રિ-દિવસીય “પલ્સ પોલિયો રસીકરણ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૬૦૬૨૪ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવનાર છે.
સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબુદ થયો છે. પરંતુ આપણા ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ના થાય તે માટે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહેલ છે. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૬૦,૬૨૪ બાળકો પોલિયોના રસીનો બે ટીપાં પીવડાવવા કૂલ-૫૪૭ બુથ, ૩૭ ટ્રાન્ઝીટ ટીમ, ૧૧ મેળા બજાર ટીમ, ૧૮ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, તાલીમબધ્ધ ૨૩૨૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્રિદિવસીય આ પોલીયો રાઉન્ડ દરમ્યાન જાહેર સ્થળો જેવા કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ, બજારો, ઈંટના ભઠ્ઠાઓ, શેરડી કટીંગ પડાવીયાઓ તથા અન્ય ટ્રાન્ઝીટ સાઈટ ખાતે ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે. જેથી જિલ્લાના તમામ નાગરિકો જાગૃત બની ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી અપાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાપી ડૉ.પાઉલ વસાવાની અખબારી યાદીમાં ખાસ અનુરોધ કર્યો છે.