
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા
કુદરતના ખોળે વસેલું ડાંગમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું.
ગીરીમથક ની કંધરાઓનુ કુદરતી સૌંદર્ય અને નદી ઝરણાઓ પુનઃ જીવિત થઈ જતાં સહેલાણીઓ માટે સાપુતારા બન્યું નંબર વન ડેસ્ટિનેશન..
સાપુતારા: ડાંગ જિલ્લામાં શનિવારે ગિરિમથક સાપુતારા સહિત વઘઇ પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડતા વિસ્તાર પાણીથી છલોછલ છલકાતા ગીરાધોધ સહિત નયનરમ્ય દ્રશ્યો નજરે દેખાઈ રહ્યા હતા. જ્યારે જિલ્લા મથક આહવા સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડતા શીતલહેર વ્યાપી ગઇ હતી.
સાપુતારામાં ધુમ્મસ છવાયું વાતાવરણ થતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું અને પ્રવાસીઓએ સાપુતારા ખાતે આનંદ માણ્યો હતો. જ્યારે ધુમ્મસના કારણે ઝીરો વિઝીબિલીટી થતા ડ્રાઇવરોને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં શનિવારે સાંજે 4 વાગ્યા સુધી 4.7 ઇંચ, સાપુતારામાં 1.9 ઇંચ જ્યારે આહવામાં 0.7 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગિરિમથક સાપુતારામાં બપોરે 2થી 4 સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત ત્રણ દિવસથી ડાંગના વન પ્રદેશમાં મેઘરાજાએ એન્ટ્રી મારતા જગતનો તાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.