આરોગ્ય

ડાંગના વઘઇ તાલુકામાં ૧૦ થી ૧૨ ફેબ્રઆરી એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડાંગના વઘઇ તાલુકામાં ૧૦ થી ૧૨ ફેબ્રઆરી એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમનું આયોજન:

જાણો લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગ વિશે:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામા લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ નોંધાતા જિલ્લાના તાલુકા વિસ્તારના તમામ લોકોને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન દરેક લોકોને આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઇ તાલુકાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આ રોગ વિશે, તેમજ રોગથી વચવાના ઉપાયો વિશે જાણીએ,

લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા રોગ) શું છે?
• લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે. જેને સામાન્ય રીતે હાથીપગા (એલિફન્ટાઈસીસ) તરીકે ઓળખવામાં આવે છે.

• હાથીપગો ફાઇલેરીયલ પરોપજીવી તરીકે ઓળખાતા, દોરી જેવા કૃમિથી થાય છે.

• આવા પુખ્ત કૃમિ (નર અને માદા બંને) લસિકાગ્રંથિઓમાં દાખલ થઈ જાય છે. અને ત્યાં માદા કૃમિ માઈક્રોફાઇલેરિયા તરીકે ઓળખાતા લાખો કૃમિઓને જન્મ આપે છે.

• સામાન્ય રીતે શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ લસિકાતંત્ર (લિમ્ફેટિક સિસ્ટમ)ને નિકષણ થાય છે.

• શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી જેના શરીરમાં માઈક્રોફાઇલેરિયા હોય છે. એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જેવીજ લાગે છે પરંતુ બીજી વ્યક્તિઓમાં ચેપ ફેલાવે છે.

• ઈક્રોફાઇલેરિયાસિસના ચેપગ્રસ્ત વ્યક્તિને લસિકાગ્રંથિમાં સોજો આવવાના કારણે તાવ, પીડા અને શરીરના અસરગ્રસ્ત ભાગમાં લાલાશ આવવી વગેરે જેવા લક્ષણો વર્તાય છે.

• ચેપ લાગ્યાના ૬ થી ૮ વર્ષ બાદ આ રોગના લક્ષણો જેમ કે, પગ સૂઝી જવા અથવા લસિકાગ્રંથિઓ/લસિકા વાહિનીઓ ફૂલી જવી અથવા વધરાવળ (હાયડ્રોસિલ) જોવા મળે છે.

લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગનો ફેલાવો તથા તેનાથી બચવાના ઉપાયો

લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ કેવી રીતે ફેલાય છે?
• ગંદા પાણીમાં ઉત્પન્ન થતા માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા આ રોગ ફેલાય છે.

• માનવ શરીરમાં દાખલ થયેલા ફાઇલેરિયાના પરોપજીવી પુખ્ત કૃમિઓ માઈક્રો ફાઇલેરિયાના (સૂક્ષ્મ કૃમિઓ)ને જન્મ આપે છે. જે ચેપ ધરાવતા વ્યક્તિની રક્ત વાહિનીઓમાં દાખલ થાય છે. આવી વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેનું ચેપયુક્ત લોહી તે મચ્છર ચૂસે છે.

• મચ્છરે ચૂસેલા લોહીમાં રહેલા માઈક્રોફાઇલેરિયાની ૧૨ દિવસની અંદર વૃદ્ધિ થાય છે અને તે અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે છે.

• આ ચેપી મચ્છર અન્ય વ્યક્તિઓને કરડે ત્યારે તે વ્યક્તિના શરીરમાં આ પરોપજીવીઓ દાખલ થઈ લસિકતંત્ર સુધી પહોંચી જાય છે.

હાથીપગા રોગથી કેવી રીતે બચવું?
• મચ્છરના કરડવાથી બચો.

• ક્યુલેક્સ મચ્છર ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે.

• ઘરની આસપાસ ગંદા પાણીનો ભરાવો થવા ન દો, મચ્છર ઉત્પત્તિ અટકાવો.

• ભરાઈ રહેલ ગંદા પાણીમાં માટી પુરાણ કરવું અથવા પાણીને વહેતું કરવું અને જો વધુ પ્રમાણમા ગંદુ પાણી ભરાઈ રહેલ હીય અને સ્થગિત હોય તો તેમાં બળેલું ઓઈલ નાખવું.

• દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો.

સામૂહિક દવા વિતરણ અભિયાન (માસ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન-એમડીએ) કાર્યક્રમ દરમિયાન શા માટે દરેક વ્યક્તિએ ડી.ઈ.સી. અને આલ્બેન્ડાઝોલનો ડોઝ લેવો જોઇએ ?
• ડી.ઈ.સી. માઈક્રોફાઇલેરિયાનો નાશ કરે છે અને આલ્બેન્ડાઝોલ સામાન્ય રીતે આંતરડામાં રહેલા કૃમિનો નાશ કરે છે. જે એક વધારાનો લાભ છે. આ બંને દવાઓ જ્યારે સાથે આપવામાં આવે ત્યારે પુખ્ત કૃમિઓ પર અસર કરે છે અને પરોપજીવીઓનો નાશ થાય છે. આમ ચેપગ્રસ્ત વ્યક્તિને રોગ થતો આટકાવી શકાય છે.

• ડી.ઈ.સી. અને આલ્બેન્ડાઝોલ એ બંને ટેબલેટ સુરક્ષિત છે અને જેમને ચેપ ન લાગ્યો હોય એવી વ્યક્તિઓ પણ દવા લઈ શકે છે.

• જનસમુદાયની દરેક વ્યક્તિ સામૂહિક રીતે આપવામાં આવતી આ દવા ગળે તો માઈક્રો ફાઇલેરિયાનો નાશ થવાથી તેમના લોહીમાં આ પરોપજીવીઓ રહેશે નહીં, જેથી મચ્છરો રોગ ફેલાવી નહિ શકે.

આ દવા કોણે લેવી જોઈએ?
• બે વર્ષથી મોટી ઉમરના દરેક વ્યક્તિએ લેવી જોઈએ.

આ દવા કોણે ન લેવી જોઈએ ?
• ગર્ભવતી સ્ત્રીઓ, ૨ વર્ષથી નીચેના બાળકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોએ ના લેવી.

ડી.ઈ.સી. ની ટેબ્લેટ ક્યારે લેવી જોઈએ ?
• ડી.ઈ.સી. ની ટેબ્લેટ સામૂહિક રીતે દવા ગળાવવા માટે નક્કી કરવામાં આવેલા દિવસે લેવી જોઈએ.

• ભૂખ્યા પેટે આ ટેબ્લેટ લેવી નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है