શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કોવિડ-19નો સામનો કરવા માટે અને તેનાથી આપણી જાતને બચાવવા માટે આપણે પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરતા હોવા છતાં, ફુગના કારણે ચેપ લાગતી અન્ય એક સમસ્યાનું જોખમ આપણી સામે આવીને ઉભું છે. આના વિશે આપણે અવશ્ય જાણવું જરૂરી છે અને તદઅનુસાર પગલાં લેવા જરૂરી છે. મ્યુકોર્માયકોસિસ એક પ્રકારની ફુગથી થતો ચેપ છે જે કોવિડ-19ના કેટલાક દર્દીઓમાં સાજા થયા પછી અથવા તે દરમિયાન જોવા મળે છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ આપેલા નિવેદન અનુસાર બે દિવસ પહેલાં, રાજ્યમાં ફુગના કારણે ફેલાતા આ ચેપથી 2000 કરતાં વધારે દર્દીઓ પહેલાંથી જ અસરગ્રસ્ત થયા હોવાનું નોંધાયું છે; 10 દર્દીઓ આના કારણે મૃત્યુ પામ્યા છે. કેટલાક દર્દીઓએ આના કારણે આંખો ગુમાવી છે.
શાના કારણે મ્યુકોર્માયકોસિસ થાય છે? મ્યુકોર્માયકોસિસ અથવા બ્લેક ફંગસ એ ફુગના ચેપથી થતી એક બીમારી છે. જે દર્દીઓ પોતાની આસપાસના માહોલમાં ફુગના બીજકણોના સંસર્ગમાં આવે તેમને મ્યુકોર્માયકોસિસ થઇ શકે છે. કોઇપણ ઘા, છોલાયેલી જગ્યા, દાઝેલી જગ્યા અથવા ત્વચામાં કોઇપણ પ્રકારના અન્ય કાપામાંથી ફુગ ત્વચાની અંદર પ્રવેશ કરે તે પછી આ સમસ્યા ત્વચામાં વધે છે.
આ બીમારી મુખ્યત્વે એવા લોકોમાં જોવા મળે છે જેઓ કોવિડ-19માંથી સાજા થઇ રહ્યાં હોય અથવા સાજા થઇ ગયા હોય. વધુમાં, ડાયાબિટીસની તકલીફ ધરાવતી કોઇપણ વ્યક્તિ અને જેમનું રોગ પ્રતિકારકતંત્ર સારી રીતે કામ ના કરતું હોય તેમને આની સામે રક્ષણ મેળવવું જરૂરી છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરી અનુસાર, કોવિડ-19ના દર્દીઓમાં નીચે ઉલ્લેખ કરેલી સ્થિતિમાં મ્યુકોર્માયકોસિસનો ચેપ લાગવાનું જોખમ રહે છે:
- અનિયંત્રિત ડાયાબિટીસ
- સ્ટીરોઇડ્સના ઉપયોગના કારણે નબળું પડી ગયેલું રોગ પ્રતિકારકતંત્ર
- લાંબા સમય સુધી ICU/હોસ્પિટલમાં રોકાણ
- સહ-બીમારી/ અંગ પ્રત્યારોપણ પછી/ કેન્સર
- વોરીકોનાઝોલ ઉપચાર (ફુગના ગંભીર ચેપમાં ઉપયોગમાં લેવામાં આવે)
કોવિડ-19 સાથે તેનો કેવી રીતે સંબંધ છે? આ બીમારી મ્યુકોર્માયસેટ્સ તરીકે ઓળખાતા સુક્ષ્મ જીવાણુંઓના સમૂહ દ્વારા થાય છે જે કુદરતી રીતે પર્યાવરણમાં હોય છે અને મોટાભાગે માટી તેમજ પાંદડા, ઉકરડા અને કચરાના ઢગલા જેવી જૈવવિઘટન (સડો) થતી જગ્યાઓ પર જોવા મળે છે.
સામાન્ય સંજોગોમાં, આપણા શરીરનું રોગ પ્રતિકારકતંત્ર સફળતાપૂર્વક આવા ફુગથી થતા ચેપ સામે લડી શકે છે. જોકે, આપણે જાણીએ છીએ કે, કોવિડ-19 આપણી રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે. વધુમાં, કોવિડ-19ના દર્દીઓની સારવારમાં ડેક્સામેથાસોન જેવી દવાઓ સામેલ હોય છે, જે આપણા રોગ પ્રતિકારકતંત્રને નબળું પાડી દે છે. આ પરિબળોના કારણે, કોવિડ-19ના દર્દીઓમાં મ્યુકોર્માયસેટ્સ જેવા જીવાણુંઓના કારણે થતી આ બીમારી સામે લડવાનું નવું જોખમ ઉભું થયું છે.
આ ઉપરાંત, કોવિડના જે દર્દીઓને ICUમાં ઓક્સિજન થેરાપી માટે રાખવામાં આવે ત્યાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વાતાવરણ ફુગના ચેપ માટે પ્રબળ સંભવિત હોય છે કારણ કે દર્દીઓ અહીં ભેજના સંપર્કમાં આવે છે.
પરંતુ આનો મતલબ એવો નથી કે, કોવિડના દરેક દર્દીને મ્યુકોર્માયકોસિસનો ચેપ લાગે છે. આ બીમારી જે દર્દીઓને ડાયાબિટીસ ના હોય તેવા દર્દીઓમાં સામાન્યપણે જોવા મળતી નથી અને જો આ બીમારીની તાત્કાલિક સારવાર ના કરવામાં આવે તો, પ્રાણઘાતક પૂરવાર થઇ શકે છે. આ બીમારીમાંથી સાજા થવાની સંભાવનાઓ તેના વહેલા નિદાન અને સારવાર પર આધાર રાખે છે.
આના સામાન્ય લક્ષણો કયા છે? મ્યુકોર્માયકોસિસ આપણા કપાળની પાછળના ભાગે, નાક, ગલોફા અને આંખોની વચ્ચે તેમજ દાંતમાં આવેલા વાયુકોષોમાં ત્વચાના ચેપ તરીકે ફેલાવાનું શરૂ થાય છે. ત્યારબાદ તે, આંખો, ફેફસા સુધી પ્રસરે છે અને મગજ સુધી પણ ફેલાઇ શકે છે. તેના કારણે નાક પર કાળા ડાઘા થવા અથવા રંગ ફિક્કો પડી જવો, આંખોમાં ઝાંખપ અથવા ડબલ દેખાવું, છાતીમાં પીડા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, નાક બંધ થઇ જવાના તમામ કેસને બેક્ટેરિયલ સાઇનસ તરીકે ના ગણવા જોઇએ જેમાં ખાસ કરીને કોવિડ-19ના દર્દીઓની સારવાર દરમિયાન/ તે પછીના સમયમાં આ ધ્યાન રાખવું જરૂરી છે. કોઇપણ વ્યક્તિએ તેમને ફુગનો ચેપ લાગ્યો છે કે નહીં તે પુષ્ટિ કરવા માટે અવશ્યપણે તબીબી મદદ લેવી જોઇએ.
કેવી રીતે તેની સારવાર થઇ શકે? આ ચેપની શરૂઆત ફક્ત ત્વચાના ચેપથી થાય છે અને આગળ જતા તે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આની સારવારમાં તમામ નિર્જીવ અને ચેપગ્રસ્ત પેશીઓને સર્જિકલ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. કેટલાક કિસ્સામાં, આના કારણે દર્દીઓ ઉપલું જડબું અથવા આંખ પણ ગુમાવી શકે છે. આની સારવારમાં 4-6 અઠવાડિયાનો કોર્સ સામેલ હોય છે જેમાં ઇન્ટ્રાવેનસ એન્ટી-ફંગલ ઉપચાર કરવામાં આવે છે. તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે માટે, સારવારમાં માઇક્રોબાયોલોજિસ્ટ્સ, આંતરિક મેડિસિન નિષ્ણાંત, ઇન્ટેન્સિવિસ્ટ ન્યૂરોલોજિસ્ટ્સ, ENT નિષ્ણાતો, નેત્ર ચિકિત્સકો, દંત ચિકિત્સકો, સર્જન અને અન્ય નિષ્ણાતોની ટીમની જરૂર પડે છે.
મ્યુકોર્માયકોસિસને કેવી રીતે રોકી શકાય? ICMRના સૂચન અનુસાર આને રોકવા માટે સૌથી મોટી એક રીત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની છે. આથી, કોવિડ-19ના જે દર્દીઓને ડાયાબિટીસ હોય તેમને સૌથી વધારે કાળજી લેવી જરૂરી છે.
જાતે દવા લેવાથી તેમજ સ્ટીરોઇડ્સના અન્ય ડોઝ લેવાથી પણ તે પ્રાણઘાતક પૂરવાર થઇ શકે છે માટે ડૉક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. સ્ટીરોઇડ્સના અનુચિત ઉપયોગના કારણે થતી વિપરિત અસરો અંગે વાત કરતા નીતી આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલે જણાવ્યું હતું કે: “કોવિડ-19ના પ્રારંભિક તબક્કામાં ક્યારેય સ્ટીરોઇડ્સ લેવા જોઇએ નહીં. માત્ર છ દિવસના ચેપ પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. દર્દીએ ફક્ત યોગ્ય માત્રામાં જ દવા લેવી જોઇએ અને ડૉક્ટરની સુચના અનુસાર ચોક્કસ દિવસના ક્રમ અનુસાર દવા લેવી જોઇએ. દવાઓની આડઅસરથી બચવા માટે દવાઓનો ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઇએ.”
ડૉ. પૌલે ઉમેર્યું હતું કે, “સ્ટીરોઇડ્સ ઉપરાંત, ટોસિલિઝુમેબ, ઇટોલિઝુમેબ જેવી કોવિડ-19ની દવાઓ પણ રોગ પ્રતિકારકતંત્રને નબળું પાડે છે. જ્યારે આ દવાઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ ના કરવામાં આવે ત્યારે, તેનાથી જોખમ વધી જાય છે કારણ કે દવાના વધારે ડોઝના કારણે રોગ પ્રતિકારક તંત્ર ફુગના કારણે લાગતા ચેપ સામે લડી શકતુ નથી.”
ICMRએ પોતાની માર્ગદર્શિકામાં કોવિડ-19ના દર્દીઓને એવી પણ સલાહ આપી છે કે, તેમણે ઇમ્યુનોમોડ્યુલેટિંગ દવાઓ લેવાનું બંધ કરવું જોઇએ. આ એવું ઘટક છ જે રોગ પ્રતિકારકતંત્રને ઉત્તેજિત અથવા શાંત કરે છે. રાષ્ટ્રીય કોવિડ-19 ટાસ્કફોર્સે આવી કોઇપણ વિપરિત અસરો નિવારવા માટે ટોસિલિઝુમેબના ડોઝની સુધારેલી માત્રા સુચવી છે. યોગ્ય સ્વચ્છતા જાળવવાથી પણ ફુગના કારણે ફેલાતા ચેપથી બચવામાં મદદ મળી શકે છે.
ઓક્સિજન ઉપચાર લઇ રહેલા દર્દીઓ માટે, હ્યુમિડિફાયરમાં રહેલું પાણી સ્વચ્છ હોય અને તેને નિયમિત ધોરણે રિફીલ કરવામાં આવતું હોય તેની ખાતરી કરી લેવી જોઇએ. પાણી ક્યાંયથી લિકેજ નથી થતું તે ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપવું જોઇએ (જેથી જ્યાં ફુગનો ઉછેર થઇ શકે તેવી સપાટીઓને ભીની થતી ટાળી શકાય). દર્દીએ પોતાના હાથ અને શરીરને સ્વચ્છ રાખીને યોગ્ય સ્વચ્છતા પણ જાળવવી જોઇએ.
કોવિડ-19માંથી સાજા થયા પછી પણ દર્દીએ ખૂબ જ સાવચેતી રાખવી જોઇએ અને તેમણે ચેતવણીજનક કોઇપણ સંકેતો અને ઉપર ઉલ્લેખ કરેલા કોઇપણ લક્ષણો અવગણવા જોઇએ નહીં કારણ કે, સાજા થયા પછી પણ અઠવાડિયા કે મહિનાઓના સમય બાદ ફુગના કારણે થતો આ ચેપ જોવા મળી શકે છે. આ ચેપનું જોખમ ટાળવા માટે કોઇપણ વ્યક્તિએ ડૉક્ટરની સલાહ અનુસાર સ્ટીરોઇડનો ઉચિત માત્રામાં જ ઉપયોગ કરવો જોઇએ. ફુગના ચેપની બીમારીનું વહેલા નિદાન કરવાથી સારવારમાં સરળતા રહે છે.