આરોગ્ય

કોરાનાની સંભવિત ત્રીજી લહેર સામે તાપી જિલ્લો સુસજ્જ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

કોરાનાની સંભવિત ત્રીજી લહેર સામે તાપી જિલ્લો સુસજ્જ:
………….
૧૧૦ આઇ.સી.યુ બેડ, ૫ બાળકો માટે આઇ.સી.યુ.બેડ, ૬૯૬ ઓક્સીજન બેડ, ૨૪૮ સામાન્ય બેડ મળી કુલ-૧૦૫૯ બેડની સુવિધા ઉપલબ્ધ
………….
કુલ- ૨૫૮૧૯ બાળકોએ કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ લેતા જિલ્લામાં કુલ- ૭૧ ટકા કિશોરોનું રસીકરણ થયું
………….
વ્યારા-તાપી: વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને અનુલક્ષી સમગ્ર રાજ્ય પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે. તાપી જિલ્લો સમગ્ર આદિવાસી પટ્ટામાં પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં પ્રથમ ક્રમે રહ્યો છે ત્યારે તાપી જિલ્લો કોવિડ સંદર્ભે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓથી સુસજ્જીત કરવામાં આવ્યો છે.

વિગતવાર જોઇએ તો તાપી જિલ્લામાં જનરલ હોસ્પીટલ, પીએચસી, સીએચસી મળી કુલ-૨૯૦ આરોગ્ય કેન્દ્રો છે જેમાં કુલ-૧,૪૮,૮૨૫ કર્મચારીઓ અને કુલ-૭૯ ડોકટર તજજ્ઞો તમામ કાર્યભાર સંભાળે છે.
જિલ્લામાં ૧૦.૬ મેટ્રીક ટન ઓક્સીજનનો જથ્થો ઉપલબ્ધ છે. ૧૧૦ આઇ.સી.યુ બેડ, ૫ બાળકો માટે આઇ.સી.યુ.બેડ, ૬૯૬ ઓક્સીજન બેડ, ૨૪૮ સામાન્ય બેડ મળી કુલ-૧૦૫૯ બેડની સુવિધા ઉપલબ્ધ છે.
કોવિડ મહામારીની બીજી અને ત્રીજી લહેરની સરખામણી કરીએ તો, જિલ્લામાં તમામ સુવિધાઓમા બમણી સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
જિલ્લામાં ઓક્સીજનની કેપેસીટી વધારવા પી.એસ.એ પ્લાંટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં પીમકેર ફંડમાંથી સ્થાપેલ વ્યારા મુખ્ય મથક ખાતેનો પ્લાંટ ૧૮.૭ મેટ્રીક ટનનો જ્થ્થો ધરાવે છે. આ ઉપરાંત ઉચ્છલ ખાતેનો પ્લાંટ ૦.૯૩ મેટ્રીક ટન,ડોલવણ તાલુકાના ગડત સીએચસી-૦.૨૩ મેટ્રીક ટન, વાલોડ સીએચસી-૦.૨૩ મેટ્રીક ટન, નિઝર સીએચસી-૦.૪૭ મેટ્રીક ટન, આ ઉપરાંત ખાનગી હોસ્પીટલ જેમાં વ્યારા સ્થિત કાલીદાસ હોસ્પિટલ ખાતે ૦.૧૬ મેટ્રીક ટન અને જનક સ્મારક હોસ્પીટલ ખાતે ૦.૨૩ મેટ્રીક ટન મળી કુલ-૪.૧૨ મેટ્રીક ટન ઓક્સીજનની સુવિધા ૦૭ પી.એસ.એ પ્લાંટ, ઓક્સીજન કોન્સન્ટ્રેટર ૧૩૪, જમ્બો સીલીન્ડર-૨૩૯, ડ્યુરા સીલીંડર-૧૬ અને પોર્ટો-૦૧ છે.
કુલ-૧૨૭૦ રેમડેસિવીર ઇંજેકશન, ૮૪૫૫ પીપીઇ કીટ, ૯૩૧૦ એન૯૫ માસ્ક અને ૩૮,૬૦૦ ત્રીપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લામાં થયેલ કોવિડ પ્રતિરોધક રસીકરણ તરફ એક નજર કરીએ તો, પ્રથમ ડોઝમાં ૧૮થી વધુ વયના ૫૬૩૪૧૯ નાગરિકો અને ૧૫ થી ૧૭ વયજુથના ૨૫૭૧૯ નાગરિકો મળી તમામ ૫૮૯૧૬૮ નાગરિકોએ પ્રથમ ડોઝ અને બીજો ડોઝમાં જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણ થવા પામ્યુ છે.
રાજ્યમાં ૩જી જાન્યુઆરી-૨૦૨૨થી ૧૫થી ૧૭ વયજુથના તરુણો માટે રસીકરણના પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તાપી જિલ્લામાં બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ દિન સુધી થયેલ રસીકરણમાં કુલ- ૨૫૭૧૯ બાળકોએ કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ લેતા જિલ્લામાં કુલ- ૭૧ ટકા કિશોરોનું રસીકરણ થયું છે.
આ ઉપરાંત તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાં થઇ ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ અને કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી રથ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઘરે-ઘરે સર્વે કરી, વિવિધ જાહેરનામા, પ્રચાર માધ્યમો, અને રીક્ષા દ્વારા જાહેરાતો કરાવવા જેવી વિવિધ આઇ.ઇ.સી પ્રવૃતિઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક લોકબોલીના ગીતો દ્વારા અને ફરતી વાન દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેની લોકજાગૃત્તિ કેળવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોવીડ વેક્સીનના બંન્ને ડોઝ લીધા હોય અને નવ મહિના પૂર્ણ થયા હોય તેવા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને સિનીયર સીટીઝન કે જે ૬૦+ કોમોર્બિડ લોકો હોય તેવા તમામ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લેતા જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસવડા સુજાતા મજમુદાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ અને ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ પોતાના બુસ્ટર ડોઝ લઇ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડી લોકોને રસી લઇ સુરક્ષિત થવા આહવાન કર્યું છે. જેને તાપી જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગો સાથે સંકલન કરી ગામે-ગામ રસીકરણ અભિયાનને વેગ મળે તે માટે હંમેશા પ્રયત્નશિલ છે.
આજરોજ તાપી જિલ્લામાં ૩૪૦૮ લાભાર્થીઓ પોતાનો બુસ્ટર ડોઝ લઇ અન્ય લોકોને જાગૃત કર્યા છે. જિલ્લાને સંપૂર્ણ રીતે કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા જિલ્લા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરજનતાને સામાજીક અંતર જાળવવા અને કોરોના પ્રતિરોધક રસી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है