શિક્ષણ-કેરિયર

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રૂમકીતલાવ પ્રાથમિક શાળા ખાતે ૫૮ બાળકોને શાળા પ્રવેશ અપાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

રૂમકીતલાવ પ્રાથમિક શાળા ખાતે ૫૮ બાળકોને શાળા પ્રવેશ અપાયો:

શાળા પ્રવેશોત્સવ એટલે શિક્ષણનો મહાકુંભઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા; 

વ્યારા- તાપી: તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ડી.આર.દરજી,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન વસાવે,પ્રાંત અધિકારી જયકુમાર રાવલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કુલ ૫૮ બાળકોને શાળાપ્રવેશ અપાયો હતો.


જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ શાળામાં પ્રવેશ પામતા બાળકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એટલે શિક્ષણનો મહાકુંભ. વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો અને એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે જહેમત ઉઠાવી હતી. ગુજરાતમાં શિક્ષણને દિક્ષા આપવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક આયામો સાથે કાર્ય કરી રહ્યા છે. પાયો મજબૂત હશે તો જ ભાવિ પેઢી સિધ્ધિના શિખરો આંબી શકશે. જેથી દરેક બાળક શાળાએ જાય,અધવચ્ચે શાળા છોડી ન જાય તે જોવાની આપણા સૌની વિશેષ જવાબદારી બને છે.


જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે આદર્શ નિવાસી શાળા રૂમકીતલાવ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આવી નથી શક્યા પણ રૂમકીતલાવ ગ્રામજનો,શિક્ષકો,વાલીઓ તેમજ શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ પામતા બાળકોને ખૂબ ખૂબ શૂભેચ્છા પાઠવી છે.
શિક્ષણની રૂપરેખા આપતા જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કુલ ૭૯૮ પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેમાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૭૨ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લાનો સાક્ષરતા દર ૬૫.૮૦ જેટલો છે.જે રાજ્યના દર કરતા ઓછો ન હોવો જોઈએ. તેમ છતા આદિવાસી વિસ્તારમાં સરેરાશ જાળવી રાખવા માટે શિક્ષણનું સ્તર ગુણાત્મક સો ટકા નામાંકન થાય, બાળકો અધવચ્ચેથી ઉઠી ન જાય તે માટે સરકાર સતત ચિંતા કરે છે. શિક્ષણ ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળે,શાળાના ઓરડા,રમતગમતના સાધનો,બાળકોને સુંદર વાતાવરણ મળે તે માટે શિક્ષણમાં બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૨૨૩.૩૬ લાખના ખર્ચે ૨૧૩ ઓરડા મંજૂર કર્યા છે. ૨૭ સરકારી પ્રાથમિક શાળામાં ટોઈલેટની સુવિધા,પાણી,વીજળી,સ્માર્ટ ક્લાસ, જરૂર જણાય ત્યાં બોરવેલ કરાવવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં શિક્ષણનું ઉંચુ પ્રમાણ લાવવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. હાલમાં જ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ શાળામાં પ્રવેશ મેળવવામાં તાપી જિલ્લો બીજા નંબરે આવ્યો હતો. સરકારે ગરીબ દિકરીઓ માટે કસ્તુરબા બન્યા વિદ્યાલય શરૂ કર્યા છે. કે જેમા; સલામતી સાથે દિકરીઓ અભ્યાસ કરે છે. વિકસીત જિલ્લાની હરોળમાં લાવવા માટે પા પા પગલી નામનો નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે.જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓને પ્રવેશ અપાશે.


પ્રાથમિક  શિક્ષણાધિકારી ડો.ડી.આર.દરજીએ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની આવતીકાલ સુવર્ણમય બની રહે તે માટે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોના પ્રેરકબળથી બાળકો સારા નાગરિકો, ભારતના ઘડવૈયા બની રહે તે માટે બાળકોને શુભકામના પાઠવી હતી.
પ્રવેશોત્સવમાં આંગણવાડીના ૨૬ કુમાર અને ૨૪ કન્યાઓ મળી ૫૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ધોરણ ૧ માં ૩૨ કુમાર અને ૨૬ કન્યા મળીને કુલ-૫૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. એ.મો.રે. ખોડદાની ચૌધરી હેત્વાન્શીએ “બેટી બચાવો બેટી પઢાઓ” ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈદિકા શર્મા અને પ્રથમેશ નાયકે કર્યું હતું. આભારવિધિ આચાર્ય હિરાલાલ નાયકે કર્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ એસ.એમ.સી.ની બેઠક યોજાઈ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી, સંસદિય સચિવ સુભાષભાઈ પાડવી, જિલ્લા પંચાયત સદસ્ય દમયંતીબેન, સાયલા ડે.સરપંચ મુકેશભાઈ, શાળા પરિવાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है